(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
શહેરના ઉધના કાકરાખાડી પાસે બે દિવસ પહેલા ચાલુ ટ્રેનમાં બદમાશોએ મોબાઇલ છીનવાના ચક્કરમાં એક વિદ્યાર્થિનીના હાથ ઉપર ફટકા મારતા તે ચાલુ ટ્રેનમાંથી નીચે પડી ગઇ હતી. જેને કારણે તેનો એક પગ કપાઇ ગયો છે. આ ઘટનાને લઇને આરપીએફ દ્વારા રેલવે ટ્રેક ઉપર કઇ રીતનું પેટ્રોલિંગ કરવામાં આવે છે તે સ્પષ્ટ થઇ ગયું છે. પેટ્રોલિંગના દાવા કરતી આરપીએફની ઢીલી નીતિને કારણે બેખોફ બનેલા બદમાશો આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.
રેલવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં ઉધના આરપીએફના ૮૦ જેટલા જવાનો અન્ડ ડ્યુટી સોંપેલી હોવાથી બહાર ગયા છે. જેને કારણે ટ્રેક ઉપર પેટ્રોલિંગ કુદરત ભરોસે છે. આવી વ્યવસ્થાના લીધે પેટ્રોલિંગ ઉપર પ્રશ્ન ઉઠવાની સાથે મુસાફરોની સુરક્ષા ઉપર પણ પ્રશ્નો ઊભા થઇ રહ્યા છે. અગાઉ પણ બનેલી આ પ્રકારની કરૂણ અને ગંભીર ઘટનાઓને પગલે આરપીએફ દ્વારા સુરતથી ઉધના સુધી ટ્રેક ઉપરાંત અને દિવસ દરમિયાન પેટ્રોલિંગ વધારવાના દાવા કરવામાં આવ્યા હતા. જો કે, આ દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. બીજી બાજુ હાલમાં ઉધના પરિસરમાં પ૦ જેટલા સીસીવી કેમેરાની જરૂરિયાતછે. તેની જગ્યા માત્ર ચાર જ કેમેરા છે અને એ પણ એક મહિના પહેલા જ લગાવવામાં આવ્યા છે. વધુમાં આ પ્રકારની બનેલી કરૂણ ઘટનાને લઇને ઝેડઆરયુસીસીના મેમ્બર રાકેશ શાહે ઉધના સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની તેમજ આવી ઘટનાને અંજામ આપનારા બદમાશોને સખતમાં સખત સજા થવી જોઇએ તેવી માંગણી સાથે રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે.