કોડીનાર, તા.ર૩
કોડીનાર તાલુકાના છારા અને સરખડી ગામના દરિયાકાંઠે આકાર લઈ રહેલા શાપુરજી ધાલોનજી ગ્રુપના સીમર પોર્ટના ચાલી રહેલા કામમાં અમુક લોકોના વ્યક્તિગત સ્વાર્થના લીધે પોર્ટના કામમાં અવરોધ ઊભા કરતા હોઈ આવા લોકો સામે શિક્ષાત્મક પગલા લઈ બંદરના બંધ કરાવેલા કામોને તાત્કાલિક ચાલુ કરાવવા માટે આજરોજ છારા-સરખડી-કડોદરા-પીપળી સહિતના ગામોના લોકોએ અહીના પાણી દરવાજા પાસેથી એક વિશાળ રેલી કાઢી રાજ્યપાલને સંબોધતું એક આવેદનપત્ર કોડીનાર મામલતદારને પાઠવ્યું હતું.
વોઈબ્રન્ટ ગુજરાત ર૦૧૧માં ૧૭ એમ.ઓ.યુ. બંદરના વિકાસ માટેના થયેલા જે પૈકી એક શાપુરજી પાલોનજી ગ્રુપના સીમર પોર્ટની કામગીરી કોડીનાર તાલુકાના છારા સરખડી ગામના દરિયાકાંઠે ચાલી રહી છે છારા અને સરખડી ગામની મોટા ભાગની પ્રજા ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. સીમર પોર્ટની કામગીરી ચાલુ થતા આ વિસ્તારની પ્રજાને પુરતા પ્રમાણમાં રોજી રોટી મળી રહ્યા છે. ત્યારે કેટલાક વિધ્નસંતોષી લોકોએ યેન કેન પ્રકારે બંદરના કામને અટકાવવા હિન પ્રયાસો આદર્યા છે જેના ભાગરૂપે આવા લોકોએ બંદરે જવાના રસ્તાને ખોદી નાખી બંધ કરી દીધો છે. જો કે, આ અંગે જીતુ પરમારે પોલીસમાં ફરિયાદ અરજી આપી છે આમ છતાં તંત્ર દ્વારા કોઈ નકાર પગલા નહીં લેતા પોર્ટની કામગીરી ખોરંભે પડી છે. ત્યારે પોર્ટ વિસ્તારની આજુબાજુના ગામોના લોકો પોતાની લાગણી વ્યક્ત કરવા વિશાળ સંખ્યામાં એકઠા થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવી યોગ્ય કરવા માગણી કરી રહ્યા છે.