સુરેન્દ્રનગર, તા.૧
થાનગઢ હત્યાકાંડમાં પોતાના પુત્ર ગુમાવનાર વાલજીભાઇ રાઠોડ છેલ્લા ૭ વર્ષથી ન્યાય માટે ઝઝૂમી રહ્યા છે. રાજ્ય સરકારની પોલીસે નિર્દયતાથી ત્રણ માસૂમોનો નરસંહાર કરનાર સામે કોઇ કાનુની કાર્યવાહી ન કરતાં સમગ્ર દલિત સમાજ સહિત માનવતાવાદી લોકોમાં પણ આક્રોશ છે. ત્યારે, સરકાર સામે બાંયો ચઢાવી ન્યાયની માંગ સાથે વાલજીભાઇ રાઠોડ થાનગઢથી ગાંધીનગરની પગપાળા યાત્રાએ નિકળ્યા છે.પોતાના સંતાનના હત્યારાઓને સજા થાય અને સરકારે નિમેલ તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર થાય તેવી માંગ સાથે વાલજીભાઇએ ન્યાયની ગુહાર લગાવી છે. વાલજીભાઇ રાઠોડની આ પગપાળા યાત્રામાં સ્વ્યંભૂ લોકો જોડાઇને તેમની લડતને સમર્થન આપી રહ્યા છે. તેમનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવે છે તેમને સોશિયલ મીડિયામાં પણ અપાર સમર્થન મળી રહ્યું છે.
વાલજીભાઇ રાઠોડની પગપાળા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ખાસ કરીને થાનગઢ હત્યાકાંડમાં જીવ ગુમાવનાર ત્રણ યુવાઓને ન્યાયની માંગ છે. રાજ્ય સરકારે આઇએએસ સંજયપ્રસાદ સમિતિની નિમણૂંક કરી હતી, આ સમિતિનો રિપોર્ટ હજુ રજૂ કરાયો નથી. જે રીપોર્ટને સાર્વજનિક કરવાની માંગ પણ તેમણે કરી છે. આરોપીઓ સામે સાત વર્ષ વિતવા છતાં હજુ સુધી ચાર્જશીટ ફાઇલ કરેલ નથી, ત્યારે આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરીને આરોપીઓ સામે સખ્ત પગલાં ભરવાની માંગ કરી છે.
મૃતકના પરિવારમાં સરકારી નોકરી આપવાની રાજ્ય સરકારે કરેલી જાહેરાત પ્રમાણે, પીડિતના પરિવારના સભ્યને સરકારી નોકરી આપવાની તેમજ સરકારી સહાયની માંગણી કરી હતી.
થાનગઢ હત્યાકાંડમાં પોતાના એક માત્ર પુત્રને ગુમાવનાર વાલજીભાઇ રાઠોડ માદરે વતન થાનગઢ ખાતે સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ કરીને પોતાના પુત્રની સ્મૃતિને જિવંત રાખી રહ્યા છે. પોતાના પુત્રની હત્યામાં ન્યાય ન મળતાં તેમણે અમિત શાહ સામે લોકસભાની ચૂંટણી લડીને સરકાર સામે રોષ પણ વ્યક્ત કરી ચુક્યા છે.
થાનગઢથી શરૂ થયેલી પગપાળા યાત્રા ગાંધીનગર પહોંચી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી રજૂઆત કરશે. જો ન્યાય નહી મળે તો સચીવાલય ગેટ-૧ની સામે ધરણાં પ્રદર્શન કરીને સરકાર સામે રાજ્ય વ્યાપી આંદોલન કરવાની ચીમકી પણ આપી છે.