(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
ભારતના પ્રવાસે આવનારા સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહંમદ બિન સલમાન સામે ભારત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવે તેવી શક્યતા છે જ્યારે મંગળવારથી શરૂ થઇ રહેલી તેમની ભારતની બે દિવસીય યાત્રામાં સંયુક્ત નેવી અભિયાન સહિત સંરક્ષણ અંગેની સમજૂતીઓ થાય તેવી શક્યતા છે. રવિવારે દક્ષિણ એશિયાની મુલાકાતે આવેલા સઉદી ક્રાઉન પ્રિન્સ ઇસ્લામાબાદ પહોંચ્યા હતા પરંતુ સોમવારે પરત રિયાધ પહોંચ્યા હતા. તેઓ પાકિસ્તાનથી સીધા ભારત આવતા હતા ત્યારે ભારતે તેનો વિરોધ કર્યો હતો. ભારતના પ્રવાસ પહેલા સઉદીના વિદેશી બાબતોના મંત્રી અદેસ-અલ-ઝુબૈરે કહ્યું કે, જૈશે મોહંમદ દ્વારા પુલવામામાં ઘાતકી આતંકવાદી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલી ઓછી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સત્તાવાર સૂત્રો અનુસાર બુધવારે યોજાનારી પીએમ મોદી અને મોહંમદ બિન સલમાન વચ્ચેની વાતચીતમાં ભારત પણ પાકિસ્તાન દ્વારા પ્રાયોજિત આતંકવાદનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવશે. આર્થિક બાબતોના વિદેશી બાબતોના મત્રાલયના સચિવ ટીએસ તિરૂમૂર્તિએ કહ્યું કે, સઉદી નેતાની મુલાકાત ટાણે રોકાણ, પ્રવાસન, હાઉસિંગ અને માહિતી તથા પ્રસારણના ક્ષેત્રમાં પાંચ કરાર થાય તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે, આ પ્રવાસ ભારત અને સઉદીનો દ્વીપક્ષીય સંબંધોના નવા દ્વાર ખોલશે. બુધવારે હૈદરાબાદ હાઉસ ખાતે ક્રાઉન પ્રિન્સના સન્માનમાં પીએમ મોદી લંચની યજમાની કરશે.