(એજન્સી) અર્જન્ટીના, તા.ર૭
આજના નવા જમાનામાં નોકરી શોધવાવાળા પોર્ટલ પર સીવી અપલોડ કરવો અથવા કોઈના રિઝયુમની પ્રિન્ટ કઢાવવી કદાચ કોઈ મોટી વાત નથી હે ને ? પરંતુ અર્જન્ટીનાના ર૧ વર્ષીય કાલૌસ ડુઆર્ટ માટે તે ઘણી મોટી વાત હતી, જેણે હાલમાં જ એક કેફેમાં હાથથી લખેલું રિઝયુમ જમા કરાવવું પડ્યું હતું, કારણ કે તેની પાસે પ્રિન્ટ કઢાવવા માટે પણ કોઈ પૈસા નહતા.
કોડોબાના બેરોજગાર યુવાને તમામ અડચણો અને નિરાશાઓ છતાં કામ મેળવવા માટે દૃઢ સંકલ્પ લીધો હતો. તેણે શહેરમાં વિવિધ સ્થળોએ ફરીને નોકરી શોધવા માટે પોતાની દાદી પાસેથી થોડાક પૈસા ઉધાર લીધા હતા.
પોતાની શોધ દરમિયાન તે એક સ્થાનિક કોફી અને ચોકલેટની દુકાનમાં પહોંચ્યો અને નોકરી વિશે પૂછવા માટે કોઈની સાથે વાત કરવા માટે ધૈર્યપૂર્વક રાહ જોઈ હતી. દુકાનની કર્મચારી યુજીનિયા લોપેજે જવાબ આપ્યો કે તેઓને હાલમાં કોઈની જરૂર નથી પરંતુ તે ઈચ્છે તો તે પોતાનો રિઝયુમ મૂકીને જઈ શકે છે.
તેણે જણાવ્યું કે, તે પોતાના રિઝયુમનો પ્રિન્ટ કરાવવાનો નજીવી ખર્ચ પણ ઊઠાવી શકતો નથી તેથી લોપેજએ વિચાર રજૂ કર્યો કે તે એ કાગળ પર પોતાનો રિઝયુમ લખીને મૂકી દે. બે પેનનો ઉપયોગ કરીને સ્વચ્છ અક્ષરે લખેલા રિઝયુમની લોપેજ પ્રભાવિત થઈ ગઈ અને તેણીએ રિઝયુમનો ફોટો પાડીને ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એકાઉન્ટ પર શેર કરી દીધો જે ખૂબ જ જલદી વાયરલ થઈ ગયો હતો.
તેમાં તેણે યોગ્યતા, અનુભવો તેમજ તમામ જરૂરી માહિતી લખી હતી અને પોતાનો ફોન નંબર નાખ્યો હતો. તેમજ તેમાં તેણે રિઝયુમને સ્વીકારવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અયોગ્ય કાગળ બદલ માફી માંગી હતી.
એકમાત્ર ફેસબુક પર ૧૦,૦૦૦થી વધુ વખત રિઝયુમ શેર થયો અને પોસ્ટએ નિમણૂકકર્તાઓનું ધ્યાન દોર્યું અને તેમની પાસે નોકરીના પ્રસ્તાવનું પૂર આવી ગયું હતું. અંતમાં કેટલાક ઈન્ટરવ્યૂ પછી તેમને નોકરી મળી અને તે હાલમાં એક ગ્લાસ કંપનીમાં કામ કરે છે.