(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રર
વિધાનસભામાં આજે ખેડૂતોને અપાતા પાક-વિમા અંગેના મુદ્દે હોબાળો મચ્યો હતો. વિરોધ પક્ષ કોંગ્રેસ ખેડૂતોના હિતનો આ પ્રશ્ન ગૃહના પ્રારંભમાં જ ઉઠાવતા તેનો સરકાર તરફથી યોગ્ય જવાબ આપવાને બદલે રાજકીય અવલોકન સાથે અન્ય લાંબી વિગતો આપવાનો પ્રયાસ કરતાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે બે વર્ષમાં ખાનગી વિમા કંપનીઓ રૂા.૩ર૭૯ કરોડથી વધુ રકમનો ચોખ્ખો નફો લઈ ગઈ હોવાના આક્ષેપો કરી સરકાર દ્વારા વિમા કંપનીને ચૂકવાતી પ્રિમિયમની રકમ ખેડૂતોને આપી દેવાય તો સરકારના નાણાં બચે અને ખેડૂતો રાજી થાય તેવી્‌ રજૂઆત કરી હતી. તો સામે સરકાર તરફથી મુખ્યમંત્રીએ તેને બદલે એવી જાહેરાત કરી હતી કે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે કોર્પસ ફંડ ઊભું કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ છે અને તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ વખતે આજે ખેડૂતોના હિતનો અત્યંત મહત્ત્વનો એવો પાક વિમા અંગેનો પ્રશ્ન પ્રથમવાર બહુજ લાંબો ચર્ચાયો હતો. એક કલાકના પ્રશ્નોત્તરી કાળમાં લગભગ પ૦ જેટલી મિનિટ આ એકમાત્ર પ્રશ્ને લઈ લીધી હતી. ખેડૂતો દ્વારા પ્રિમિયમ ભરવા સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ૦-પ૦ ટકા સરખા હિસ્સાનું પ્રિમિયમ ખાનગી વિમા કંપનીઓને ચૂકવાય છે તેની સામે ખાનગી વિમા કંપનીઓ સરેરાશ ત્રીજા ભાગ જેટલી જ રકમનો પાક-વિમા ખેડૂતોને ચૂકવી રહી હોવાની બાબત વિપક્ષ કોંગ્રેસ તરફથી રજૂ કરવામાં આવી હતી. વિપક્ષના નેતા ધાનાણીએ ગૃહમાં જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧૭ અને ર૦૧૮માં રવિ અને ખરીફ સીઝનમાં રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂા.પ૬૦૦ કરોડ કરતા વધારે રકમ સરકારી તિજોરીમાંથીવીમા પ્રિમિયમ પેટે ચૂકવવામાં આવી અને રૂા.૭૯૯ કરોડ કરતા વધારે રકમ ખેડૂતો દ્વારા ચુકવવામાં આવી. આમ, કુલ રૂા.૬૪૦૦ કરોડ જેટલી રકમ વીમા પ્રિમિયમ પેટે વીમા કંપનીઓને ચૂકવવામાં આવી. આ જ સમયગાળા દરમ્યાન વીમા કંપનીઓ દ્વારા રૂા.૩૧૧૯ કરોડની રકમ ખેડૂતોને પાકવીમો ચૂકવવામાં આવ્યો હતો. એટલે ખાનગી વીમા કંપનીઓ આ બે વર્ષમાં રૂા. ૩ર૭૯ કરોડ જેટલી રકમનો ચોખ્ખો નફો લઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારની જે પાક વીમા નીતિ છે તેના કારણે સરકારને પણ નુકસાન થાય છે ખેડૂતોને હકનો પાક વીમો મળતો નથી અને ખાનગી કંપનીઓ સરકારી તિજોરી લૂંટી જાય છે અગાઉ આ એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપની ભારત સરકાર રાજય સરકારની ભાગીદારીવાળી હતી. ત્યારે ખાનગી વીમા કંપનીઓને આ ક્ષેત્રમાં પ્રવેશ આપવાના કારણો શું છે ? ખાનગી વીમા કંપનીઓને ચૂકવાતું પ્રિમિયમ જો સીધા ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા જમા આપી દેવામાં આવે તો ખેડૂતોને વીમો લેવાની જરૂર પડે નહીં. ધીરાણ પણ લેવું ના પડે એટલે ખેડૂતો રાજી થાય અને સરકારના પણ પૈસા બચે તેવું સુચન પરેશ ધાનાણીએ કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ આ પ્રશ્નમાં રજૂઆત કરતા ખેડૂતોને કેટલા દાવા મંજૂર કરાયા અને તેઓએ કેટલુ પ્રિમિયમ ભર્યું ? તેમને કેટલી કેટલી રકમ ચુકવાઈ એવા પ્રશ્નો કરતા સરકાર તરફથી નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ જવાબ આપવાને બદલે આખો ઈતિહાસ વર્ણવતા લાંબો જવાબ આપવાનું અને રાજકીય અવલોકનો કરતા કોંગ્રેસના સભ્યોએ ઉભા થઈ હો હા કરી મુકી હતી. નીતિન પટેલે કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરતી હોય સ્પષ્ટતા કરવી જરૂરી હોવાનું કહ્યું હતું પરંતુ હોબાળો ચાલુ રહ્યો હતો. આ સમયે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ફસલ પાક વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે. પાક વિમાની ગણતરી ક્રોપ કટિંગને આધારે નિયત કરવામાં આવી છે અને ક્રોપ કટિંગની ગણતરી કરી વિમો ચૂકવવામાં આવે છે. તેમણે વિપક્ષ નેતાના સૂચનને સ્વીકારવા ખેડૂતો માટે કોર્પસ ફંડ ઊભું કરવાની દિશામાં સરકાર વિચારી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

અધ્યક્ષે એક કડક શિક્ષકની ભૂમિકામાં જાણે લીધો કલાસ !

વિધાનસભામાં આજે ખેડૂતોના પાક વીમાના પ્રશ્નની લાંબી ચર્ચામાં જાણે ખેડૂતોની ચિંતા બહુ જ હોય તેવું દેખાડવાનો પ્રયાસ કરાયો હોય તેવું જણાઈ આવતું હતું. સમગ્ર ચર્ચા દરમિયાન આજે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એક કડક શિક્ષકની ભૂમિકામાં છવાયેલા રહ્યા હતા. તેમણે મંત્રીઓ પણ લાંબા જવાબ ના આપે તે પહેલાં જ શોર્ટમાં પોતે જ જવાબ આપી દેતાં જોવા મળ્યા હતા. ગૃહમાં આજે પાક વીમાના પ્રશ્ન પ૦ મિનિટ જેટલો લાંબો સમય ચર્ચાયો હતો. જેમાં વિપક્ષના કોંગ્રેસને વધુ પ્રશ્ન પૂછવાની અધ્યક્ષે વધુ તક આપી હતી. એક કડક શિક્ષકની જેમ સમય ના વેડફાય તેમ એક પછી એક સભ્યોને પ્રશ્નો પૂછવા અને તેના મંત્રી લાંબો જવાબ ના આપે તેનું ધ્યાન રાખી વચ્ચે જ તેમને ટોકી દેતા હતા. કેટલીક વાર તો અધ્યક્ષ પોતે જ મંત્રીનો જવાબ આપી દેતા જોવા મળ્યા હતા. મોટાભાગના સભ્યો પ્રશ્નો પૂછવાનો આગ્રહ રાખતા. તેમણે એક તબક્કે એમ કહ્યું હતું કે આજે પ્રશ્નોત્તરી કાળ આખો આ જ પ્રશ્નની ચર્ચામાં પૂરો કરવો જે તમારે જેટલા પ્રશ્નો પૂછવા હોય તેટલા પૂછો. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દૂધાત વારેઘડિયે હાથ ઊભો કરતા અને વચ્ચે બોલતાં અધ્યક્ષે તેમને આખરે કહ્યું કે દૂધાત તમે સ્કૂલમાં પણ આ જ રીતે કરતા હતા ? આ પ્રશ્નથી ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.