(એજન્સી) , તા.૧૪
પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક મસ્જિદ પાસે રિમોટ કંટ્રોલ દ્વારા કરાયેલા એક શક્તિશાળી બોમ્બ બ્લાસ્ટમાં ૪ પોલીસકર્મીઓનાં મોત થયા હતા જ્યારે ૧૧ અન્ય વ્યક્તિઓને ઈજાઓ થવા પામી હતી. છેલ્લા ત્રણ દિવસમાં આ વિસ્તારમાં થયેલો આ ત્રીજો હુમલો હતો.
ધડાકો સોમવારની રાત્રે થયો હતો. જ્યારે લોકો પ્રાંતિય રાજધાની ક્વોટાના સેટેલાઈટ વિસ્તારમાં એક મસ્જિદમાં નમાઝ માટે ભેગા થઈ રહ્યા હતા ત્યારે આ ધડાકો થયો હતોે. “મસ્જિદની સુરક્ષા માટે પોલીસ કાફલાને લઈ જતી વાન જ્યારે ત્યાં આવી પહોંચી ત્યારે જ તેને ટાર્ગેટ બનાવીને વિસ્ફોટ કરાયો જેમાં અમારી ચાર રેપિડ રિસ્પોન્સ ગ્રુપ (આરઆરજી)નાં જવાનો માર્યા ગયા જ્યારે એકની સ્થિતિ હજુ ગંભીર છે તેમ ક્વોટા ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) રજ્જાક ચીમાએ કહ્યું હતું. અન્ય ૧૧ વ્યક્તિઓ આ વિસ્ફોટમાં ઘાયલ થઈ હતી. તેમ પ્રાંતિય ગૃહમંત્રી ઝિયાઉલ્લાહ લોન્ગોવે કહ્યું હતું.
પોલીસ વાનની પાસે વિસ્ફોટકો ધરાવતું મોટરબાઈક રાખવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, અજાણી વ્યક્તિઓએ મસ્જિદની પાસે આ વિસ્ફોટકો ભરેલું મોટરબાઈક પાર્ક કર્યું હતું. પ્રતિબંધિત તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાને પોલીસ વાહનના ટાર્ગેટ કરતા આ મોટરસાઈકલ બોમ્બની જવાબદારી સ્વીકારી છે. વડાપ્રધાન ઈમરાનખાને હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. ખાને બ્લાસ્ટના સંપૂર્ણ અહેવાલના આદેશો આપી દીધા છે તથા જણાવ્યું છે કે, દેશ આતંકવાદને જડમૂળમાંથી ખતમ કરવા કટિબદ્ધ છે.