(એજન્સી) ઇસ્લામાબાદ, તા.૨૦
પાકિસ્તાને પાછલાં પાંચ વર્ષોમાં ઓછામાં ઓછા ૨૯૮ ભારતીય પ્રવાસીઓને નાગરિકતા આપી છે. પાકિસ્તાનના ગૃહ મંત્રાલયના આંકડાઓ અનુસાર વર્ષ ૨૦૧૨થી ૧૪ એપ્રિલ ૨૦૧૭ સુધી કુલ ૨૯૮ ભારતીયોને પાકિસ્તાનની નાગરિકતા મળી છે. મંત્રાલયે પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી પીએમએલ-એનના સાંસદ શેખ રૂહેલ અસગરના સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ જાણકારી આપવામાં આવી હતી. સ્થાનિક સૂત્રોએ જણાવ્યા અનુસાર મંત્રાલયે પોકાના નિવેદનમાં જણાવ્યું હતુ કે વર્ષ ૨૦૧૨માં ૪૮ ભારતીયોને પાકિસ્તાનની નાગરિકતા આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩માં ૭૫ અને ૨૦૧૪માં ૭૬ ભારતીયોને નાગરિકતા મળી હતી. વર્ષ ૨૦૧૫માં ફક્ત ૧૫ ભારતીયોને તથા વર્ષ ૨૦૧૬માં ૬૯ લોકોને પાકિસ્તાનની નાગરિકતા આપવામાં આવી હતી. આ વર્ષે ૧૪ એપ્રિલ સુધીમાં ૧૫ ભારતીય પ્રવાસીઓને પાકિસ્તાન નાગરિકતા આપી ચુક્યું છે. મંત્રાલયના જવાબ અનુસાર પાકિસ્તાન હંમેશા એક એવો દેશ રહ્યો છે જ્યાં નાગરિકતા મેળવવી મુશ્કેલ કામ છે પરંતુ અનેક દેશોના અનેક પ્રવાસી વિશેષરૂપે ભારત, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને બર્માના લોકો અહીં રહી રહ્યા છે. ગત વર્ષે માર્ચમાં પાકિસ્તાનના ગૃહમંત્રી ચૌધરી નિસાર અલી ખાને એક ભારતીય મહિલાએ પાકિસ્તાની નાગરિકતા આપી હતી. આ મહિલાના પતિનું વર્ષો પહેલાં નિધન થયું હતું. મહિલાને વર્ષ ૨૦૦૮માં જ નાગરિકતા મેળવવા માટે અરજી કરી હતી પરંતુ તે સમયથી આ અરજી વિલંબમાં મૂકાઇ હતી. મહિલાએ ઘણા વર્ષો પહેલાં પાકિસ્તાની વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. પતિના મૃત્યુ બાદ મહિલાના ઓરમાન પુત્રએ તેને કથિતરૂપે સંપત્તિ માંથી બેદખલ કરી દીધી હતી.