(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૨૫
આગામી મહિને ઈદની રજાઓ દરમિયાન ભારતીય ફિલ્મોના પ્રદર્શન અને તેની સ્ક્રિનિંગ પર પાકિસ્તાને કામચલાઉ પ્રતિબંધ મૂકયો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચના અનુસાર, ભારતીય અને વિદેશી ફિલ્મો પર ઈદના બે દિવસ પહેલાથી લઈ ઈદ પછીના બે સપ્તાહ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, આ પગલું પાકિસ્તાની ફિલ્મ પ્રદર્શકો, વિતરકો અને ફિલ્મ નિર્માણ ભવનો દ્વારા કરવામાં આવેલી વિનંતીને આધારે લેવામાં આવ્યું છે. આ પ્રતિબંધ હેઠળ સમગ્ર પાકિસ્તાનમાં ઈદની રજાઓ દરમિયાન કોઈ પણ પ્રકારની ભારતીય ફિલ્મોને દર્શાવવામાં આવશે નહીં. સામાન્ય રીતે ઈદની ચાર દિવસની રજાઓ દરમિયાન નવી પાકિસ્તાની બોલિવૂડ અને હોલિવૂડની ફિલ્મો ખૂબ મોટા પાયે કમાણી કરે છે. પાકિસ્તાની ફિલ્મ પ્રદર્શકોના સંગઠનના અન્ય એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતાં જણાવ્યું છે કે, તેમણે આ અંગે સૂચના મેળવી છે. આ સૂચનામાં જણાવાયું છે કે, તહેવારો દરમિયાન સ્થાનિક સિનેમાઓને પ્રોત્સાહન આપવા માટે વિદેશી ફિલ્મો પર પ્રતિબંધ મુકાયો છે. ઉપરાંત સામાન્ય દિવસો કરતાં રજાના દિવસોમાં મોટી સંખ્યામાં દર્શકો ફિલ્મો જોવા માટે આકર્ષાય છે તેથી સ્વદેશી ફિલ્મોના પ્રોત્સાહન માટે આ પગલું ભરવામાં આવ્યું છે. આ સૂચના ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં આવનાર ઈદ-ઉલ-અઝહા માટે પણ લાગુ પડે છે. પાકિસ્તાની ફિલ્મ નિર્માતાઓ અને કલાકારો છેલ્લા બે વર્ષથી ફરિયાદ કરી રહ્યા હતા કે, દેશમાં મર્યાદિત સ્ક્રિન્સ હોવાથી તેમની ફિલ્મોને સારી રીતે દર્શાવી શકાતી નથી. ઉપરાંત રજાના દિવસોમાં વિદેશી ફિલ્મો તેમની ફિલ્મો કરતા વધુ કમાણી કરે છે. આ ફરિયાદને આધારે ઈદની રજાઓ દરમિયાન વિદેશી ફિલ્મો ચલાવવા પર પ્રતિબંધ મૂકી સ્વદેશી ફિલ્મોને પ્રોત્સાહન મળે તેવા પગલાઓ ભરવામાં આવ્યા છે.