(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર૮
પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલાં અધિકારીઓએ તૈયાર કરેલ મતદાતાઓની નવી યાદી અનુસાર વર્ષ ર૦૧૮માં ઈસ્લામિક રાષ્ટ્રમાં બિનમુસ્લિમ મતદાતાઓની સંખ્યા ૩.૬૩ મિલિયન સુધી પહોંચી ગઈ છે. જેમાં ધાર્મિક લઘુમતી મતદારોમાં હિન્દુઓએ પોતાની બહુમતી જાળવી રાખી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં બિનમુસ્લિમ મતદાતાઓની નોંધણીમાં ૩૦ ટકાનો વધારો થયો છે. વર્ષ ર૦૧૩માં ર.૭૭ મિલિયન મતદાતાઓ હતા જ્યારે પાંચ વર્ષ બાદ ર૦૧૮માં આ સંખ્યા ૩.૬૩ મિલિયન થઈ ગઈ છે. વર્ષ ર૦૧૩ પહેલાં હિન્દુ મતદાતાઓની સંખ્યા ૧.૪૦ મિલિયન હતી કે જે અન્ય દરેક લઘુમતીઓની સામૂહિક સંખ્યા કરતા વધારે હતી. આ સંખ્યા અત્યારે વધીને ૧.૭૭ મિલિયન પર પહોંચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હિન્દુઓ બાદ બિનમુસ્લિમ મતદાતાઓમાં ખ્રિસ્તી મતદાતાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. આ વખતે લગભગ ૧.૬૪ મિલિયન ખ્રિસ્તીઓ મત આપવાના હકદાર છે. ખ્રિસ્તી મતદાતાઓની સંખ્યામાં હિન્દુઓની તુલનામાં ખૂબ જ વધારો થયો છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ ઉપરાંત પાકિસ્તાનમાં પારસી મતદાતાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા ગત સપ્તાહે એક ઔપચારિક ચિઠ્ઠી બહાર પાડવામાં આવી હતી. આ ચિઠ્ઠીમાં પંચે રપ અને ર૭ જુલાઈની વચ્ચે ચૂંટણી યોજવાનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિને આપ્યો હતો. ત્યારબાદ પંચે રપ જુલાઈએ સામાન્ય ચૂંટણી યોજાશે તેવું અવલોકન કર્યું હતું.