પેરિસ,તા.૨૧
ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સએ પાકિસ્તાનને તેના ૨૭ મુદ્દાની કાર્યયોજના સાથે ગ્રે લીસ્ટમાં જાળવી રાખવાનો અને આતંકવાદ વિરોધ વધુ કડક પગલા ભરવા માટે જૂન, ૨૦૨૦ સુધીની મુદત આપવાનો નિર્ણય કર્યો છે. ચીન, મલેશિયા અને તુર્કી જેવા દેશોએ પાકિસ્તાનને બ્લેક લીસ્ટ થવાથી બચાવ્યું છે. અલબત તેને ગ્રે લીસ્ટમાંથી બચવા માટે ૧૩ દેશના સમર્થનની જરૂર હતી, પણ તેને આટલા દેશનું સમર્થન મળ્યું ન હતુ. જોકે ચીન, તુર્કી અને મલેશિયા જેવા કેટલાક દેશોની તેને મદદ મળી હતી. એફએટીએફએ આ સાથે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો તે આતંકવાદ સહિત ૨૫ મુદ્દાની કાર્યયોજના પૂરી નહીં કરે તો તેને બ્લેક લીસ્ટમાં નાંખી દેવામાં આવશે. આ નિર્ણય એફએટીએફની આંતરરાષ્ટ્રીય સહયોગ સમીક્ષા સમૂહની બેઠકમાં લેવામાં આવ્યો હતો. તેની બેઠક પેરિસમાં યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.
પાકિસ્તાને જૂન ૨૦૨૦ સુધીમાં એફએટીએફની ગ્રે લીસ્ટથી બચવા માટે તમામ ૧,૨૬૭ નાણાં સંસ્થા અને ૧,૩૭૩ આતંકવાદી સામે કાર્યવાહી કરવી પડશે. ઈસ્લામાબાદે આ આતંકવાદીઓ અને સંગઠનોને ટેરર ફંડ એકત્રિત કરતા અટકાવવાનું રહેશે, સાથે તેણે આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલી વ્યક્તિની સંપત્તિ પણ જપ્ત કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રે અથવા બ્લેક લીસ્ટમાં કોઈ દેશને નાંખવામાં આવતા તેને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી ઋણ મેળવવાનું મુશ્કેલ બને છે.