(એજન્સી) લાહોર, તા.ર૪
પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસારે સોમવારે બલુચિસ્તાન હાઈકોર્ટના આગામી ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સૈયદા તાહિરા સફદરના નામની ઘોષણા કરી હતી. આ સાથે જ રૂઢિવાદી મુસ્લિમ બાહુલ્ય દેશમાં પ્રથમવાર કોઈ મહિલા ચીફ જસ્ટિસ બનવાનો માર્ગ ખૂલી ગયો છે.
અહેવાલ મુજબ પાકિસ્તાનના ચીફ જસ્ટિસ સાકિબ નિસારે લાહોરમાં એક પુસ્તકના વિમોચન અવસરે કહ્યું કે, મેડમ તાહિરા સફદર બલુચિસ્તાન હાઈકોર્ટના આગામી ચીફ જસ્ટિસ બનશે. ઉલ્લેખનીય છે કે, બલુચિસ્તાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ મુહમ્મદ નૂર મેશકનઝાઈ ૩૧ ઓગસ્ટના રોજ નિવૃત્ત થઈ રહ્યાં છે. તાહિરા એમનું સ્થાન લેશે. જસ્ટિસ તાહેરા ત્રણ જજોની સ્પેશિયલ કોર્ટના ચીફ હશે. આ જ અદાલત પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક જનરલ પરવેઝ મુશર્રફ વિરૂદ્ધ ઘટનાની સુનાવણી ચાલી રહી છે. જસ્ટિસ તાહિરા બલુચિસ્તાનમાં સિવિલ જજ તરીકે પ્રથમ મહિલા જજ નિયુક્ત થયા છે. તેઓ પ્રથમ હાઈકોર્ટ મહિલા જજ છે. જસ્ટિસ તાહેરાનો પ ઓક્ટો.૧૯૭પમાં ક્વેટામાં જન્મ થયો. તેમણે યુનિવર્સિટી ઓફ બલુચિસ્તાનમાંથી ઉર્દૂ લિટરેચરમાં માસ્ટર્સ કર્યું અને ક્વેટાની લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી હાંસલ કરી. તેઓ પ્રસિદ્ધ વકીલ સૈયદ ઈમ્તિયાઝ હુસૈન બાકરી હનફીના પુત્રી છે.
જસ્ટિસ સૈયદા તાહેરા સફદર પાકિસ્તાનના બલુચિસ્તાન હાઈકોર્ટનાં પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ બનશે

Recent Comments