(એજન્સી) ગ્વાદર, તા.ર૬
પાકિસ્તાનના બિનઉપયોગી ગ્વાદર બંદરને કરોડો રૂપિયાના ખર્ચે પુનઃજીવિત કરી ચીન પોતાને ૬પ દેશો સાથે જોડવા માટેની નવી સિલ્ક રોડની યોજના હાથ ધરનાર છે. જો કે ગ્વાદર પાકિસ્તાનના સૌથી હિંસક વિસ્તારમાં સ્થિત હોવાના કારણે મહત્ત્વાકાંક્ષી જણાતી આ યોજના માટે કપરા ચઢાણો ચઢવાની પ્રબળ શક્યતા છે.
ગ્વાદર પાકિસ્તાનનું નવું આર્થિક કેન્દ્ર બને તેવી શક્યતા છે. પોતાના ભૌગોલિક સ્થાનને કારણે ચીને પોતાના પશ્ચિમ ભાગને વાયા પાકિસ્તાન ભારતીય સમુદ્ધ સાથે જોડવા માટે પ૪ બિલિયનની આ યોજના હાથ ધરી છે. ‘વન બેલ્ટ વન રોડ’ હેઠળ ચીનની આ સૌથી મોટી યોજના છે. ચીન આ દ્વારા દરિયાઈ અને સડક માર્ગે ૬પ જેટલા દેશો સાથે જોડાશે. ચીન પોતાને આર્થિક રીતે વધુ મજબૂત બનાવવા માટે આફ્રિકા, એશિયા અને યુરોપની સરહદોને પોતાની સાથે જોડવા માંગે છે. જેમાં રેલવે, દરિયા અને માર્ગ વ્યવહાર મુખ્ય છે.
અલબત્ત, પાકિસ્તાન માટે આ યોજનામાં સામેલ થવું લોઢાના ચણા ચાવવા જેવું છે. નબળી આર્થિક સ્થિતિ, ભ્રષ્ટાચાર અને હિંસાથી ઘેરાયેલા પાકિસ્તાન માટે આ યોજના ખૂબ કપરી નિવડશે.
જો કે, ગ્વાદર બંદર ઓથોરિટીના ચેરમેન દોસ્તેન ખાન જમાલદ્દીને જણાવ્યું હતું કે, આ યોજનાથી પાકિસ્તાન અન્ય પાડોશી દેશો સાથે જોડાશે. સમગ્ર દેશને આ યોજનાથી ખૂબ ફાયદો થશે. ખાસ કરીને ગ્વાદરના લોકોને ઘણા લાભ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ યોજના શરૂ થઈ ત્યારથી જ ત્રાસવાદીઓના નિશાના પર છે. ચીનના કામદારો પર પણ હુમલા સામાન્ય બાબત છે.
જમાલદ્દીને જણાવ્યું હતું કે, ગ્વાદર બંદર ચીનનો ભાગ નથી. પણ ચીન અમારું મજબૂત સહયોગી છે. પહેલા લોકોને આ યોજના સફળ થવા અંગે શંકા હતી પણ ચીન છેલ્લા ઘણા વર્ષોથી ગ્વાદર બંદરને વિકસાવવા ઈચ્છતું હતું. આ યોજનાના અમલ માટે કાંઠાના પ૦ હજાર લોકોનું સ્થળાંતર કરાવી તેમને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગના માછીમારો છે.