કરાચી,તા.૧૦
પાકિસ્તાનમાં પ્રથમ વખત છુટાછેડા લીધેલ અથવા વિધવા હિન્દુ મહિલાને પુનઃલગ્ન કરવા પરવાનગી આપતો સુધારો સિંધ પ્રાંતની ધારાસભાએ કર્યો છે. આ પહેલા એવી મહિલાઓને પુનઃલગ્ન કરવા ઉપર પ્રતિબંધ હતો. સિંધ હિન્દુ મેરેજ (સુધારો) બિલ ર૦૧૮માં ફકત પતિ-પત્નીને છુટા થવાના અધિકારો જ નથી આપતો પણ એ સાથે પત્ની અને બાળકોને નાણાકીય સુરક્ષા પુરી પાડવા માટે પણ જોગવાઈ કરાઈ છે.
પાકિસ્તાન મુસ્લિમ લીગના કાર્યકારી નેતા નંદકુમારે ધારાસભામાં બિલ રજૂ કર્યું હતું અને માર્ચ મહિનામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.
કોઈ પણ પક્ષકારના લગ્ન આ સુધારા પહેલા થયા હોય અથવા સુધારા પછી થયા હોય એ કોર્ટમાં અરજી કરી આ કાયદા હેઠળ છુટાછેડાની ….મેળવી શકે છે. કાયદા દ્વારા ઓછી વયની હિન્દુ છોકરીઓના લગ્ન ઉપર પ્રતિબંધો લદાયા છે. હિન્દુ કોમ બળજબરીથી લગ્ન અને ધર્માંતરણ સામે વિરોધો કરતી હતી. જેને ધ્યાનમાં લઈ સગીર છોકરીઓના લગ્ન ઉપર પ્રતિબંધ મુકાયો છે. નંદકુમારે કહ્યું કે કાયદામાં સુધારો જુના રિવાજો અને પરંપરાઓને તિલાંજલિ આપવા માટે છે જે દાયકાઓથી અમલમાં હતા.
કાયદો પસાર કરાયા પહેલા હિન્દુ મહિલાઓને છેલ્લા ૭ દાયકાથી કોઈ કાયદાકીય રક્ષણ મળેલ ન હતું.