(એજન્સી) ઈસ્લામાબાદ, તા.ર૬
ગુરૂવારે પાકિસ્તાનની અદાલતે વિદેશમંત્રી ખ્વાજા આસિફને સંસદના સભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા છે. જે સત્તાધારી મુસ્લિમ લીગ પાર્ટી (નવાઝ)ને એક ફટકા સમાન હોવાનું મીડિયા રિપોર્ટમાં કહેવાયું છે. ચૂંટણી પહેલાંની આ ઘટના ચિંતાજનક બતાવાઈ છે. જીઓ ટીવી ચેનલના અહેવાલ મુજબ વિદેશમંત્રી ખ્વાજા આસિફ આ ચુકાદાને સુપ્રીમમાં પડકારશે. હાલમાં તેમને હોદ્દા પરથી ઉતારી દેવાશે કેમ તે સ્પષ્ટ નથી. સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ગેરલાયક ઠેરવ્યા હતા.
શરીફના પક્ષના નેતાઓનું કહેવું છે કે ચૂંટણી પહેલાં સુપ્રીમ કોર્ટ તેમના પક્ષના નેતાઓને નિશાન બનાવે છે.
ખ્વાજા આસિફના મતવિસ્તારના પ્રતિસ્પર્ધી અને સિયાલકોટના વતની ઉસ્માનદારે કોર્ટમાં અરજી કરી ખ્વાજાને બરતરફ કરવાની માગણી કરી હતી. તેમની સામે યુએઈમાં વર્ક પરમીટ ગોટાળાનો આરોપ મૂકાયો હતો. દારે કહ્યું કે હવે પાકિસ્તાનના રાજકારણમાં ખ્વાજા આસિફનું કોઈ સ્થાન રહ્યું નથી. દાર તહેરીકે ઈન્સાફ પાર્ટીના નેતા છે. તેમણે કોર્ટ બહાર પત્રકારોને ઉપર મુજબ જણાવ્યું છે. ર૦૧૩માં ઉસ્માન દાર ખ્વાજા આસિફ સામે જંગી મતે ચૂંટણી હારી ગયા હતા.
પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આસિફને સંસદના સભ્ય તરીકે કોર્ટે ગેરલાયક ઠેરવ્યા : મીડિયા રિપોર્ટ

Recent Comments