(એજન્સી) પેશાવર, તા. ૨૩
પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તૂનખ્વામાં એક ભરચક બજારમાં ભયાનક વિસ્ફોટને પગલે ૩૧ લોકોનાં મોત થયા હતા જ્યારે ૩૫ જેટલા લોકો ઘાયલ થયા હતા. આ બોમ્બ એક શાકભાજીના ઢગલામાં છૂપાવેલો હતો. એક અધિકારીએ કહ્યુંં કે, ઓરાકાઝી આદિવાસી જિલ્લામાં આવેલા શુક્રવારે ભરાતા કાલાયા બજારમાં અચાનક બ્લાસ્ટ થયો હતો. તેમણે કહ્યું કે, અમારી પ્રાથમિત તપાસમાં જાણવા મળ્યું છે કે, વિસ્ફોટ એક શાકભાજીના કાર્ટૂનમાં રાખવામાં આવેલા બોમ્બથી થયો હતો. એક અન્ય અધિકારીએ કહ્યું કે, આ વિસ્ફોટમાં ૩૧ લોકો માર્યા ગયા છે જેમાં શિયા પંથના ૨૨ લોકોનો સમાવેશ થાય છે. ઓરાકાઝી અફઘાનિસ્તાનની સરહદે આવેલું આદિવાસી પ્રાંત છે અને અહીં આતંકવાદી હુમલાનો ખતરો રહે છે એટલે સુધી કે અમેરિકાના પ્રમુખ પદે રહેલા બરાક ઓબામાએ આ વિસ્તારને વિશ્વમાં સૌથી ખતરનાક વિસ્તારોમાંથી એક ગણાવ્યું છે. વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને આ ઘટનામાં તપાસ ચાલુ કરી દેવાઇ હતી. ઘાયલોને સારવાર આપવા માટે પ્રાંતની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી હતી. ઓરાકાઝીમાં બ્લાસ્ટ બાદ ખૈબર પખ્તૂનખ્વાની પોલીસને એલર્ટ પર મુકાઇ હતી જ્યારે બીજી તરફ ચીનના રાજદૂતાવાસ પર હુમલાને પગલે પ્રાંતમાં વધુ સુરક્ષા ગોઠવાઇ હતી. હુમલા બાદ પ્રાંતના મુખ્યમંત્રી મહમૂદ ખાને જણાવ્યું હતુંકે, પ્રાંતમાં શાંતિ જળવાઇ રહી હોવાને કારણે અમારા દુશ્મનો ખુશ નથી.