ઇસ્લામાબાદ, તા. ૨૫
ઇસ્લામાબાદ શહેરના માર્ગોને છેલ્લા બે અઠવાડિયાથી અવરોધનારા સંગઠનના કાર્યકરો દ્વારા પથ્થરમારો કરાતા પાકિસ્તાની પોલીસે તેમને ડામવા માટે ટીયર ગેસના શેલ તથા પાણીના મારાનો સહારો લીધો હતો. આ દેખાવો ઇસ્લામાબાદથી કરાચી, લાહોર, રાવલપિંડી તથા પેશાવરમાં પણ પહોંચ્યા છે. પોલીસ અધિકારી સઉદ તિરમિઝીએ જણાવ્યું હતું કે, આ અથડામણો ત્યારે શરૂ થઇ હતી જ્યારે પોલીસે ૪૦૦૦ અધિકારીઓ સાથે પાકિસ્તાનમાં નવી ઉભરાયેલા ધાર્મિક તથા રાજકીય પક્ષ તેહરીકે લબ્બૈકના ધરણા કરતા આશરે ૧૦૦૦ જેટલાકાર્યકરોને ઘેરી લીધા બાદ શરૂ થઇ હતી. તિરમીઝીએ જણાવ્યંુ હતું કે, ડઝન જેટલા દેખાવકારોને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે ઘણા ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલોમાં સારવાર અપાઇ રહી છે.
પાકિસ્તાનના ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં તેહરીકે લબ્બૈક ઇસ્લામિક સંગઠનના છેલ્લા ૨૦ દિવસથી ચાલી રહેલા ધરણાને સમાપ્ત કરવા માટે ઉતરેલા સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાઓમાં એક પોલીસ કર્મીનું મોત થયું હતું જ્યારે ૧૭૦થી વધારે લોકો ઘવાયા હતા. અહેવાલો અનુસાર શુક્રવારે રાતે ૮૫૦૦ સુરક્ષા દળોએ ૨૦૦૦ જેટલા દેખાવકારો વિરૂદ્ધ અભિયાન છેડ્યું હતું. ઇસ્લામાબાદ પોલીસ અને ફ્રન્ટીયર કોન્સટેબ્યુલરીએ શરૂઆતમાં ઘટનાસ્થળેથી પ્રદર્શનકારીઓને હટાવવાનું શરૂ કર્યું હતું પરંતુ શનિવારે સવારે દેખાવકારો ફરીએકવાર એકઠા થયા હતા જેમાં હિંસા ભડકી હતી અને વાહનોને ફૂંકી દેવામાં આવ્યા હતા. પોલીસે ઘણા લોકોની ધરપકડ કરી હતી. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર આશરે ૧૭૦ લોકો આ ધટનાઓમાં ઘવાયા હતા. બીજી તરફ પાકિસ્તાનના મેડીકલ સાયન્સીઝના ડો. અલ્તાફે કહ્યું હતું કે, કોઇ ગંભીર મામલો સામે આવ્યો નથી. મોટાભાગના લોકોને સામાન્ય ઇજાઓ થઇ છે જ્યારે કેટલાક લોકોને ફ્રેક્ચર થયા છે. ઉલ્લેખનીય છે કે, દેખાવકારોએ માર્ગોને બજારોને બંધ કરાવી દીધા હતા. આ ધરણા ૬ નવેમ્બરના રોજ ટીએલપી નામના નાના સંગઠને શરૂ કર્યા હતા બીજી તરફ પ્રદર્શનકારીઓએ મુખ્ય હાઇવે બ્લોક કરી દીધો હતો જેના કારણે હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઇસ્લામિક દેખાવકારો પર અભિયાનને પ્રસારિત નહીં કરવા પાક. ટીવી ચેનલોને ફરમાન
ઇસ્લામાબાદ, તા. ૨૫
પાકિસ્તાનમાં તમામ પ્રાઇવેટ ટીવી ચેનલોના પ્રસારણને રોકી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં પાછલા કેટલાક દિવસોથી ધરણા પર બેઠેલા પ્રદર્શનકારીઓ પર સુરક્ષા દળોની કાર્યવાહીના અહેવાલો અંતર્ગત પાકિસ્તાન સરકારની પેમરા એટલે કે, પાકિસ્તાની ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટીએ આ આદેશ આપ્યા છે. સુન્ની તહેરીકએ લબ્બૈક જેવા સંગઠનોના ધરણા વિરૂદ્ધ શનિવારે પોલીસ, ફ્રન્ટિયર કોર્પ્સ અને પાકિસ્તાની રેન્જર્સે અભિયાન ચલાવ્યું છે. ઇસ્લામાબાદ સહિત પાકિસ્તાનના ઘણા ભાગોમાં સેના, પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું આ વિરોધ પ્રદર્શનોને કારણે પાકિસ્તાન સરકારે આ રોક લગાવી છે. પોલીસે ઇસ્લામીક દેખાવકારો સામે ટીયરગેસ તથા પાણીના મારાનો ઉપયોગ કર્યો હતો. દેખાવકારોએ છેલ્લા બે અઠવાડિયાથી ઇસ્લામાબાદના મુખ્ય માર્ગોને બ્લોક કરી દીધા છે.