(એજન્સી)
ઈસ્લામાબાદ, તા.ર
શરીફનું કુટુંબ પાકિસ્તાનમાં પોતાના અસ્તિત્વને ટકાવવા મથી રહ્યું છે. નવાઝ શરીફ એ માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દાયકાથી અબજોપતિ ઔદ્યોગિક કુટુંબે પાકિસ્તાનના ધનાઢય પ્રાંત પંજાબમાં શાસન કર્યું છે. ૬૭ વર્ષીય શરીફ ત્રણ વખત ચૂંટાઈને વડાપ્રધાન બન્યા છે. પણ હવે ફરીથી શરીફ માટે પડકારો ઊભા થયા છે. એ પાકિસ્તાનમાં લોકશાહી સરકાર ટકાવી શકશે કે કેમ એમાં ફરીથી શંકાઓ દેખાઈ રહી છે. ૧૯૯૯માં શરીફ વડાપ્રધાન હતા તે વખતે સેનાએ બળવો કરી એમને હટાવી સત્તા આંચકી લીધી અને એમને દેશ છોડવા મજબૂર કર્યા પણ ર૦૧૩ના વર્ષમાં એ ફરીથી પાકિસ્તાન આવ્યા અને ચૂંટણીઓ જીતી વડાપ્રધાન બન્યા. હવે સુપ્રીમકોર્ટે એમને ભ્રષ્ટાચારના આક્ષેપો બદલ દોષી જાહેર કરી પદભ્રષ્ટ કર્યા છે. શરીફ લંડનથી પાકિસ્તાન આવી રહ્યા છે. એમની ઉપર અન્ય ભ્રષ્ટાચારના આક્ષેપોનો કેસ ચાલી રહ્યો છે જેનો જવાબ આપવા એ આવી રહ્યા છે. જેના લીધે એ જેલમાં પણ જઈ શકે છે. જો એ હકીકતમાં પરિણમશે તો આવનાર વર્ષે થનાર સામાન્ય ચૂંટણીઓમાં વિજય મેળવવાના સ્વપ્નો પૂરા થશે નહીં પણ સૈન્ય કોઈ ભૂમિકા ભજવે છે એના ઉપર નિર્ભર કરે છે. શરીફે પત્રકારોને જણાવ્યું કે હું આ કેસ લડીશ. અલ્લાહ મારી સાથે છે અને મને ન્યાય અપાવશે. મોટો નિર્ણય ર૦૧૮માં આવશે. જેમાં ચૂંટણીઓ મારી તરફેણમાં પરિણામો આપશે. સુપ્રીમકોર્ટે શરીફને દોષી જાહેર કર્યા પછી શરીફનો પક્ષ દુવિધામાં ફસાઈ ગયો છે. એક તરફ રાજકીય ખેંચતાણ અને બીજી તરફ કાયદાકીય પ્રશ્નો ઊભા થયા છે. વધુમાં પાકિસ્તાનના સંબંધો અમેરિકા સાથે પણ વણસ્યા છે. અમેરિકા હવે પાકિસ્તાનને ત્રાસવાદ પોષણ કરતું દેશ સમજી એની અવગણના કરી રહ્યો છે એમાં બેમત નથી. શરીફ આ પડકારો વચ્ચે પણ પોતાના અસ્તિત્વની લડાઈ લડવા મક્કમ બન્યા છે એ માટે એ પાકિસ્તાન પાછા આવી રહ્યા છે. દરમિયાનમાં એ પ્રકારની વાતો સંભળાય છે કે, શરીફ સૈન્ય સાથે ગોઠવણ કરી રહ્યા છે કે એમને જેલમાં નહીં મોકલવામાં આવે. ૧૯૯૯માં સેનાએ શરીફને બરતરફ કર્યા પછી સઉદી અરબ જવા દીધો હતો. પણ આ વખતે કોર્ટનો આદેશ છે જેથી કોર્ટને પણ આ સોદામાં સામેલ કરવો પડશે. શરીફ મૂંઝાયેલ છે એમાં શંકા નથી પણ જ્યારે એ જાહેરમાં આવે છે અને લોકો એમનું ઉમળકાથી સ્વાગત કરે છે તો એમનામાં હિંમત આવી જાય છે. શરીફ પ્રત્યે લોકોને નફરત નથી એ હાલમાં જ થયેલ પેટાચૂંટણીમાં સાબિત થઈ ગયું હતું જેમાં એમના પત્ની કુલસુમ જીત્યા હતા. એમના પ્રચારમાં એમની પુત્રી મરિયમ ઉતરી હતી જેમણે લોકોને જણાવ્યું કે, શરીફ સામેના આક્ષેપો ખોટા છે. શરીફ અને એમના કુટુંબ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે જેના લીધે એમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વધુમાં એમના વિશ્વાસુ નાણામંત્રી ઈશાક દાર ઉપર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો મૂકાયા છે.
પાકિસ્તાનમાં મજબૂત શરીફ કુટુંબ અસ્તિત્વ ટકાવવા મથી રહ્યું છે

Recent Comments