(એજન્સી)
ઇસ્લામાબાદ, તા. ૩૦
પાકિસ્તાનમાં હજારો મુસ્લિમોએ ચાલુ વર્ષના અંતે ઇસ્લામના પયગમ્બર હઝરત મુહમ્મદ(સ.અ.વ.)ના કાર્ટૂનની સ્પર્ધા યોજવાની ડચ રાજકારણીની યોજના સામેના વિરોધમાં પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ તરફ કૂચ શરૂ કરી હતી. કૂચમાં ભાગ લેનારા આશરે ૧૦ હજાર દેખાવકારોએ ‘પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)ના બહુમાનને બચાવવા અમે મરી જઇશું’ના સૂત્રોચ્ચારો કર્યા હતા.કૂચના આયોજકોએ જણાવ્યું કે આ વખતે તેઓ આખો દિવસ વિરોધ કર્યા બાદ વિખેરાશે. નેધરલેન્ડમાં કાર્ટૂન સ્પર્ધા કટ્ટરવાદી સાંસદ ગીર્ટ વાઇલ્ડર્સ દ્વારા સંસદની ઇમારતમાં આવેલા તેમના પક્ષના કાર્યાલયમાં યોજવાની તેમની યોજના છે. ઇસ્લામ વિશે ઉશ્કેરણીજનક અને અપમાનજનક ટિપ્પણીઓ કરવાનો ગીર્ટનો ઇતિહાસ છે. દરમિયાન, ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ખાલિદ લતીફે આ કાર્ટૂન સ્પર્ધા યોજનાર ડચ સાંસદની હત્યા કરનારને ૨૮ હજાર ડોલરનું ઇનામ આપવાની ઓફર કરી છે. ડચ પોલીસે ગીર્ટ પર હુમલો કરવાની ધમકી આપનાર એક શંકાસ્પદ ૨૬ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. જોકે, આ શંકાસ્પદ વ્યક્તિની રાષ્ટ્રીયતા જાહેર કરવામાં આવી નથી.
લાહોરમાં બુધવારે કૂચ શરૂ થઇ હતી. દેખાવકારો આજે ગુરૂવારે ઇસ્લામાબાદ પહોંચે તેવી સંભાવના છે. પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઇમરાનખાને સંયુક્‌ત રાષ્ટ્ર સમક્ષ આ મુદ્દો ઉઠાવવાનો સંકલ્પ કર્યો છે અને વિધિસર વિરોધ નોંધાવવા માટે તેમની સરકારે ડચના રાજદૂતને બોલાવ્યા હતા. જોકે, ઇમરાનખાને ડચ રાજદૂતની પાકિસ્તાનમાંથી હકાલપટ્ટી કરવાની હાકલ ફગાવી દીધી છે.ઇસ્લામમાં પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના ફોટાઓ સામે પરંપરાગત રીતે પ્રતિબંધ લદાયેલો છે. મોટાભાગના મુસ્લિમો દ્વારા હઝરત મુહમ્મદ (સ.અ.વ.)ના કાર્ટૂનોને ભારે અપમાનજનક ગણાવવામાં આવ્યા છે. દરમિયાન, ડચ વડાપ્રધાન માર્ક રૂટે જણાવ્યું કે ગીર્ટને સ્પર્ધા યોજવાની તેઓ મંજૂરી આપશે નહીં પરંતુ આ સ્પર્ધા યોજવાના સાંસદના અધિકારોનો તેઓ બચાવ કરશે.