(એજન્સી)
ઈસ્લામાબાદ, તા.ર૯
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન બંધ (ડેમ) માટે સામાન્ય પાકિસ્તાનીઓ પાસેથી ૧૪ અબજ ડોલરની મોટી રકમ એકત્રિત કરવા માગે છે. તેઓ તેના માટે લોકોની દેશભક્તિની વાતો કરી રહ્યા છે પરંતુ તેમના વિરોધી તેને અવ્યવહારિક ગણાવીને તેમની હાંસી ઉડાવી રહ્યા છે. જો દેશને ગંભીર જળસંકટમાંથી બહાર કાઢવાની કોશિશ સફળ રહે છે તો ઈમરાન કિક સ્ટાર્ટરના હાલના રેકોર્ડને તોડીને ૭૦૦ ગણી વધારે રકમ એકત્રિત કરશે. સામાન્ય પાકિસ્તાનીઓએ ઈમરાનના આગ્રહનો જવાબ ખૂબ જ જોશ સાથે આપ્યો છે પરંતુ અત્યારસુધીમાં જે રકમ એકત્રિત કરી છે તે ખૂબ જ ઓછી છે. ઈમરાને આ જ મહિને લોકોને ચેતવણી આપી હતી કે આપણી પાસે માત્ર ૩૦ દિવસના પાણીનો ભંડાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીનું સૌથી મોટું કિક સ્ટાર્ટર અભિયાન પેબલ ટાઈમ સ્માર્ટવોચ માટે હતું, જેણે ૩ર દિવસમાં બે કરોડ ડોલરથી પણ વધુ રકમ એકત્રિત કરી હતી. ઈમરાનનો દાવો છે કે, જો વિદેશોમાં રહેતા દરેક પાકિસ્તાની એક-એક હજાર ડોલરનો ફાળો આપે તો પાકિસ્તાન પાસે બંધ બનાવવા માટે ભંડોળ એકઠું થઈ જશે. તેમણે કહ્યું કે, હું તમને વચન આપું છું કે, હું તમારી રકમને સાચવીશ. જો કે ઈમરાનના ટીકાકારો આની સાથે સહમત નથી. એક વરિષ્ઠ પત્રકાર ખલીફ કિયાનીએ કહ્યું કે તમે ભંડોળથી ૧૪ અબજ ડોલર એકત્રિત ના કરી શકો. આપણી પાસે એવુ ંકોઈ ઉદાહરણ નથી કે જેમાં આ પ્રકારની આટલી મોટી રકમ એકત્રિત કરવામાં આવી હોય. જો કે ભ્રષ્ટાચારથી પીડિત પાકિસ્તાનમાં ઘણા બધા સામાન્ય લોકોએ ઈમરાનની પ્રામાણિકતા પર વિશ્વાસ મૂક્યો છે. ઈસ્લામાબાદના એક દુકાનદારે કહ્યું કે, ઈમરાનખાન એક-એક રૂપિયાનું ધ્યાન રાખશે.