(એજન્સી) શ્રીનગર, તા.૨
પાકિસ્તાની સેનાએ ફરી એકવાર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. ગઈકાલે પાકિસ્તાન તરફથી અંકુશ રેખા પર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં બે માસૂમ બાળકો સહિત ત્રણના મોત નીપજ્યા હતા. તેમજ નવ નાગરીકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલાઓમાં ૧૦ વર્ષીય બાળક અને ૧૫ વર્ષીય બાળકીનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને પૂંચની જિલ્લા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર પાકિસ્તાની દળોેએ પૂંચના ધિગવાર,કેર્ની અને શાહપુર સેક્ટરમાં સીમા પર અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. પાકિસ્તાની દળોએ ગામના રહેવાસીઓને નિશાન બનાવતાં ગોળીબાર અને બોમ્બબારી કરી હતી. જેનાથી સીમા પર વસતા લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. કાશ્મીર ખીણમાં ગઈકાલે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરવાના બે પ્રયાસોને નિષ્ફળ બનાવી દીધા છે. ગઈકાલે સવારમાં કુપવાડા જિલ્લામાં પાકિસ્તાનના આતંકવાદીને ઠાર માર્યા બાદ બારામુલ્લાના ઉરી સેક્ટરમાં પણ પાકિસ્તાની આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવતા ચાર આતંકીઓને ઢાળી દીધા હતા. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ આતંકીઓ પાસેથી હથિયાર મળી આવ્યા હતા. હાલ સેનાએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બારામુલ્લાની ૧૯ ડિવિઝનના જનરલ આર.પી. કલિતાએ જણાવ્યું કે, આશરે ૬૦ -૭૦ પાકિસ્તાન ઘૂસણખોરો ઘૂસણખોરી કરવાની તાકમાં બેઠા હોય તેવી આશંકા છે. કુપવાડાના તંગધારમાં પણ પાંચ થી છ ઘૂસણખોરો દેખાયા હતા. તેમાના એક ઘૂસણખોરને સેનાએ ઢાળી દીધો હતો.