(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૨૬
પાકિસ્તાનના બાલાકોટ નજીક આવેલા ત્રાસવાદી કેમ્પને લક્ષ્યાંક બનાવીને ભારતીય વાયુદળ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ભારે ખુવારી સર્જાઇ હોવાના ભારતના દાવાને પાકિસ્તાને મંગળવારે જોરદાર રીતે ફગાવી દીધો છે અને એવો સંકલ્પ કર્યો છે કે ભારતના આ બિનજરૂરી આક્રમણનો જવાબ પાકિસ્તાન પોતાની પસંદગીના સમય અને સ્થળે આપશે. પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય હવાઇ હુમલાના કલાકો બાદ પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની યોજાયેલી ખાસ બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને પાકિસ્તાનના લોકો અને સશસ્ત્ર દળોને કોઇ પણ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે. દરમિયાન, નવી દિલ્હીમાં અધિકારીઓએ જણાવ્યું છે કે ભારતીય વાયુદળે મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા ટ્રેનિંગ કેમ્પ પર બોમ્બમારો કરીને તેનો નાશ કરી દીધો છે. હુમલામાં ભારે સંખ્યામાં ત્રાસવાદીઓ, ટ્રેનર્સ અને વરિષ્ઠ કમાન્ડરો પણ માર્યા ગયા છે. ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ની બેઠક પુરી થયા બાદ એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ફોરમ (એએસસી) ભારતના દાવાને સંપૂર્ણપણે ફગાવે છે. ભારતે બાલાકોટ નજીક ત્રાસવાદી કેમ્પ પર હુમલો કર્યો અને ભારે ખુવારી સર્જાઇ હોવાનો દાવો કર્યો છે. ઇસ્લામાબાદમાં એનએસસીની બેઠક બાદ જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે ભારત સરકારે ફરી એક વાર કાલ્પનિક દાવા કર્યા છે. નિવેદનમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણી માહોલમાં પોતાના ઘરેલું લાભ માટે કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીથી પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા સામે ગંભીર ખતરો ઉભો થયો છે. નિવેદનમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રને વિશ્વાસમાં લેવા માટે સરકારે સંસદનું સંયુક્ત સત્ર બોલાવવાનો નિર્ણય કર્યો છે. પ્રદેશમાં ભારતની બેજવાબદાર નીતિ ઉઘાડી પાડવા માટે ઇમરાનખાન વૈશ્વિક નેતાગીરી સાથે પણ મંત્રણા કરશે.