(એજન્સી) નવી દિલ્હી, તા.ર૬
પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંઘ જેમણે પાકિસ્તાનના કરતારપુર કોરીડોરના શિલાન્યાસનું નિમંત્રણ અસ્વીકાર્યું છે એમણે કહ્યું જ્યાં સુધી સીમા પારથી ત્રાસવાદ ચાલુ રહેશે ત્યાં સુધી કોઈ પણ નિમંત્રણ સ્વીકારવામાં નહીં આવે. એમણે પંજાબ રાજ્યમાં ત્રાસવાદી હુમલાઓ બાબત પાકના સૈન્ય વડાને પ્રશ્ન કર્યો છે. આજે મુંબઈ હુમલા ર૦૦૮ની ૧૦મી વરસી છે અને આ સમયે ભારતના વિદેશ મંત્રાલયે પણ પાકિસ્તાનને કડક સંદેશો મોકલ્યો છે. જેમાં આક્ષેપો કર્યા છે કે પાકિસ્તાન હુમલાના આરોપીઓ સામે પગલાં લેતું નથી. અમૃતસરમાં ગયા અઠવાડિયે નિરંકારી ભવન ઉપર કરાયેલ હુમલા માટે એમણે કહ્યું, લોકો પ્રાર્થના કરી રહ્યા હતા અને એમની ઉપર ગ્રેનેડો ફેંકાયા હતા. શું સૈન્યએ આ જ શીખવાડ્યું છે ? આ કાયરતા છે ? ૭૬ વર્ષીય મુખ્યમંત્રી અરમિન્દરસિંઘ જે સેનામાં કેપ્ટન રહી ચૂક્યા છે એમણે કહ્યું, હું પાકિસ્તાનના સૈન્ય વડા બાજવાને જણાવવા માંગું છું કે, એક સૈનિકની જેમ વર્તન કરો, કઈ સેના તમને શીખવે છે કે યુદ્ધવિરામનો ભંગ કરી અને બીજા પક્ષના જવાનોની હત્યા કરો ? કઈ સેના તમને શીખવે છે કે લોકોને પઠાનકોટ અમૃતસરમાં હુમલાઓ કરવા મોકલો ? આ કાયરતા છે? અમે શાંતિમાં માનીએ છીએ અને શાંતિનો સંદેશ આપીએ છીએ પણ તમારા જનરલોને સમજવું જોઈએ કે, અમારી પાસે મોટું લશ્કર છે, અને અમે તૈયાર છીએ… પણ એ નહીં થવું જોઈએ કારણ કે કોઈ યુદ્ધ ઈચ્છતો નથી. અમે શાંતિપૂર્ણ રીતે વિકાસને આગળ ધપાવવા માગીએ છીએ. અમૃતસરમાં નિરંકારી ભવન ઉપર ૧૮મી નવેમ્બરે કરાયેલ હુમલો પાકિસ્તાનના આઈએસઆઈ દ્વારા પ્રેરિત હતો. આ હુમલામાં વપરાયેલ ગ્રેનેડો પાકિસ્તાનમાં બનેલ હતા. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પણ કરતારપુરના કાર્યક્રમમાં નહીં જાય.