(એજન્સી) ઈસ્લામાબાદ,તા.૧૭
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશીએ ભારત- અફઘાનિસ્તાન વેપાર માર્ગ મુદ્દે સ્પષ્ટીકરણ આપ્યું છે. તેમણે એ સમાચારનું ખંડન કર્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન પોતાના ક્ષેત્રમાંથી પસાર થતા ભારત-અફઘાનિસ્તાન વેપાર માર્ગની પુનઃ સ્થાપના માટે વાતચીત કરવા તૈયાર છે.
આ અંગે વિદેશ મંત્રાલયે રવિવારે કુરેશીના હવાલાથી જણાવ્યું કે, અમારા ક્ષેત્રમાંથી પસાર થનાર અફઘાનિસ્તાન- ભારત વેપાર માર્ગને ખોલવા અંગે વિચાર કરવા માટે પાકિસ્તાન હજુ સુધી તૈયાર થયું નથી. મીડિયાના અહેવાલ મુજબ અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદૂત જોન બાસે કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના ક્ષેત્ર દ્વારા ભારત-અફઘાનિસ્તાન વેપાર માર્ગની પુનઃ સ્થાપના કરવા અંગેનો વિચાર કરી રહ્યું છે, તયાર બાદ પાકિસ્તાનનું આ ખંડન સામે આવ્યું છે.