International

૩૦૦ મિલિયન અમેરિકન ડોલર એ સહાય નથી, અમારા નાણા છે, ભરપાઇ કરવી જોઇએ : અમેરિકા પર પાક.નો વળતો પ્રહાર

(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૩
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ અમેરિકા દ્વારા ૩૦૦ મિલિયન ડોલરની સૈન્ય સહાયતા રોકવા અંગે જણાવ્યું હતું કે, આ રકમ પાકિસ્તાનની જ છે જે તેણે આતંકવાદ વિરૂદ્ધની લડાઇમાં ખર્ચ કરી હતી અને તેને તે પરત મળવી જ જોઇએ. અમેરિકાએ શનિવારે જાહેરાત કરી હતી કે, તે આતંકવાદી જૂથોને પહોંચી વળવા માટે પૂરતા પગલાં નહીં ભરવાનેપગલે પાકિસ્તાનને અપાનારી ૩૦૦ મિલિયન ડોલરની સૈન્ય સહાયતા રોકશે. કુરેશીએ કહ્યું કે, આ મુદ્દાને પાંચમી સપ્ટેમ્બરે અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન ઉઠાવાશે. અમેરિકાના નિર્ણયની જાહેરાત બાદ રવિવારે ઉતાવળે બોલાયેલી પત્રકાર પરિષદમાં કુરેશીએ જણાવ્યું હતું કે, ૩૦૦ મિલિયન ડોલરની રકમ કોઇ સહાયતા કે સહયોગ નથી. પાકિસ્તાનને આ રકમ પોતાના સંસાધનોથી આતંકવાદીઓ અને આતંકવાદ વિરૂદ્ધ લડાઇમાં ખર્ચ કરી હતી પણ હવે તેઓ આને પરત આપવાનો ઇન્કાર કરે છે. તેમણે કહ્યું કે, આ અમારા નાણા છે જે અમે ખર્ચ કર્યા છે અમેરિકા ફક્ત તેની ખાધ પુરી રહ્યું છે. આ પહેલા બીબીસી ઊર્દૂ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સૈદ્ધાંતિક રીતે અમેરિકાએ પાકિસ્તાનને આ રકમ પરત કરવી જોઇએ કેમ કે શાંતિ અને સ્થિરતાનો માહોલ બનાવવા અને આતંકવાદને પરાજિત કરવાના ઉદ્દેશથી આ રકમને ખર્ચ કરવામાં આવી હતી. અમે પોમ્પિઓ સાથે બેસીને ચર્ચા કરીશું. અમે બંને દેશો વચ્ચે દ્વીપક્ષીય સંબંધો સુધારવાના પ્રયાસો કરીશું. અમે તેમની વાત સાંભળીશું અને અમારો પક્ષ પણ મુકીશું.