કરાચી, તા.૧પ
આઈસીસીના મુખ્ય કાર્યકારી (સીઈઓ) ડેવ રિચર્ડસને સ્પષ્ટતા કરી છે કે રમતની સંચાલન સંસ્થા ભારતને પાકિસ્તાન વિરૂદ્ધ દ્વિપક્ષીય સિરીઝ રમવા માટે દબાણ કરી શકે નહીં. લાહોરમાં મીડિયા સાથે વાત કરતાં રિચર્ડસને આ વાતને પણ નકારી કાઢી કે આઈસીસી પાકિસ્તાન ક્રિકેટની તુલનામાં ભારત તરફ વધારે સોફ્ટ કોર્નર ધરાવે છે. તેમણે કહ્યું કે ભારત જો પાકિસ્તાન સાથે રમવા માટે તૈયાર નથી તો અમે તેમને મજબૂર કરી ના શકીએ. દ્વિપક્ષીય સિરીઝ બે ક્રિકેટ બોર્ડ વચ્ચે પરસ્પર સમજૂતીથી રમાય છે. અમે પણ ઈચ્છીએ છે કે ભારત અને પાકિસ્તાન દ્વિપક્ષીય સિરીઝ રમે પણ તેમની વચ્ચે રાજનૈતિક તણાવ છે અને કોઈપણ પ્રકારનું ક્રિકેટ હાલના સંબંધો ઉપર નિર્ભર કરે છે. પાકિસ્તાન અને વિશ્વ ઈલેવન વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચોની ટી-ર૦ સિરીઝમાં ભારતનો એક પણ ખેલાડી નથી. આ અંગે રિચર્ડસને કહ્યું કે વિશ્વ ઈલેવનમાં એક પણ ભારતીય ખેલાડી એટલા માટે નથી કારણ કે ભારતીય ટીમનો કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત છે અને હાલમાં તેમને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિરીઝ રમવાની છે. તેમણે જણાવ્યું કે વિશ્વ ઈલેવનમાં એક પણ ભારતીય ખેલાડી નહીં હોવાનું એક કારણ રાજનૈતિક માહોલ પણ છે.