(એજન્સી) તા.૧૩
પાકિસ્તાનના ઈતિહાસમાં આવું પહેલીવાર થશે જ્યારે સુપ્રીમકોર્ટમાં ટ્રાન્સજેન્ડર જજની નિમણૂંક કરાશે. પાકિસ્તાનના ચીફ જસ્ટિસે કહ્યું કે મુસ્લિમોના બહુમતવાળા દેશમાં ટ્રાન્સજેન્ડરોના અધિકારો માટે આ સમુદાયના બે લોકોની જસ્ટિસ તરીકે નિમણૂંક કરવામાં આવશે. ચીફ જસ્ટિસ સાકિબ નિસારે કહ્યું કે ટ્રાન્સજેન્ડરોને સુપ્રીમકોર્ટમાં નોકરી આપવામાં આવશે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તેમણે ટ્રાન્સજેન્ડરોના અધિકારોના એક કેસમાં સુનાવણી માટે ખંડપીઠની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે અમારા સમાજમાં ટ્રાન્સજેન્ડર ઉપહાસના એક પાત્ર છે. તેમને પોતાના અધિકાર આપવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ એનજીઓ અને ખૈબર પખ્તૂનખ્વાં સરકારને નોટિસ મોકલશે, જ્યારે ટ્રાન્સજેન્ડરોના મૂળ અધિકારોના મામલે સુનાવણી કરાશે. તેમણે કહ્યું કે કોર્ટ તેમને મુખ્યધારામાં લાવવા માગે છે. અમે ઈચ્છીએ છીએ કે તેમના કેસ ઉકેલવામાં આવે. ચીફ જસ્ટિસે એ મામલે દુઃખ વ્યક્ત કર્યો કે ખૈબર પખ્તૂનખ્વાંમાં ટ્રાન્સજેન્ડરોને ધમકીઓ મળી રહી છે. ૨૦૦૯માં પાકિસ્તાન દુનિયાનો એવો દેશ બન્યો જેણે થર્ડ જેન્ડરને સ્થાન આપ્યું હતું. પાકિસ્તાનમાં લગભગ ૫ લાખ ટ્રાન્સજેન્ડર છે. પહેલીવાર ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોને ગત વર્ષની વસ્તીગણતરીમાં પણ સામેલ કરાયા હતા.