દુબઈ,તા. ૪

પાકિસ્તાન અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે આવતીકાલે અબુધાબીમાં ત્રીજી વનડે મેચ રમાનાર છે. આ મેચને લઇને ભારે ઉત્સુકતા પ્રવર્તી રહી છે. પાકિસ્તાનના વનડે કેપ્ટન તરીકે અઝહર અલીની ભૂમિકાને લઇને હંમેશા પ્રશ્નો થતા રહ્યા છે. તેની બેટિંગ પણ નિરાશાજનક રહી છે. બીજી વનડે મેચમાં તે જે રીતે આઉટ થયો હતો તેનાથી લોકો નિરાશ થયા હતા. પ્રથમ બે વનડે મેચમાં ફ્લોપ રહ્યા બાદ તે રન બનાવવા માટે ઇચ્છુક દેખાઈ રહ્યો છે. પાકિસ્તાને શાહજહાં ખાતેની બીજી વનડેમાં ૩૩૭ રન કર્યા હતા પરંતુ ૩૧ અને ૪૦ ઓવર વચ્ચે રેટ ઘટી ગયો હતો. ઉંમર અકમલને તક મળી શકે છે. ઉંમર અકમલે છેલ્લે એડિલેડમાં વર્લ્ડકપ ૨૦૧૫માં પાકિસ્તાન તરફથી મેચ રમી હતી. ઝડપી બોલર મોહમ્મદ આમીરનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વનડેમાં રઇશનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ મેદાન અને આંકડાની વાત કરવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં અબુધાબીમાં જોરદાર ગરમી રહે છે. આ મેદાન રણની બિલકુલ વચ્ચોવચ હોવાથી ગરમીનું પ્રમાણ રહે છે. પવનના લીધે ઝડપી બોલરોને મદદ મળે છે. અબુધાબીમાં છેલ્લી નવ વનડે મેચ પૈકી સાત મેચોમાં છેલ્લા ત્રણ વર્ષમાં તેની હાર થઇ છે. સ્થળને લઇને પાકિસ્તાનની ચિંતા વધી ગઈ છે જ્યારે અબુધાબીમાં વિન્ડિઝે કોઇ મેચ જીતી નથી. ૨૦૦૮માં પાકિસ્તાન સામે તેની તમામ ત્રણેય મેચમાં હાર થઇ હતી. પાકિસ્તાનના બે બેટ્‌સમેનોએ ત્રણ સતત વનડે ઇનિંગ્સમાં સદી ફટકારી છે જેમાં ઝહીર અબ્બાસ અને સઇદ અનવરનો સમાવેશ થાય છે. બાબર આઝમ આ શ્રેણીની પ્રથમ બંને મેચમાં સદી ફટકારી ચુક્યો છે.