(એજન્સી) પંજાબ, તા.૧૧
પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં ગુરૂવારે એક મોટી રેલવે દુર્ઘટના થઈ. પ્રવાસી ટ્રેન અને એક માલગાડીની ભીષણ અથડામણમાં ૧૪ લોકોનાં મોત થયા અને અન્ય ૭૯ ઘાયલ થયા છે. પાકિસ્તાન રેલવે મંત્રાલયના પ્રવકતા અલી નવાઝ મલિકે જણાવ્યું કે, આ દુર્ઘટના વલ્હાર સ્ટેશન પર સવારે ચાર વાગ્યાની આસપાસ થઈ જ્યારે એક પ્રવાસી ટ્રેન સર્વિસ લાઈનમાં ઘૂસી ગઈ અને એક માલગાડી સાથે અથડાઈ. મલિકે જણાવ્યું કે, ૧૪ લોકોનાં મોત થયા છે અને ૭૯ લોકો ઘાયલ થયા છે. જો કે, આ શરૂઆતી આંકડા છે તેમજ સંખ્યા વધી શકે છે. પ્રવકતાએ દુર્ઘટનાની પાછળ માનવીય બેદરકારી અને સિગ્નલમાં આવેલી સમસ્યાને જવાબદાર ગણાવી. પાકિસ્તાન રેલવે મંત્રી શેખ રશીદ અહેમદે આ રેલવે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ દુર્ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે સાથે જ તેમણે જણાવ્યું કે, અમારી પ્રાથમિકતા ટ્રેનમાં ફસાયેલા લોકોને બહાર નીકાળવા છે. રાહત અને બચાવ કાર્ય જારી છે. વડાપ્રધાન ઈમરાનખાને પણ દુર્ઘટના પર દુઃખ વ્યકત કર્યું છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે પગલાં ભરવા માટે જણાવ્યું છે. વડાપ્રધાન ઈમરાનખાને ટ્‌વીટર પર લખ્યું કે, સાદિકાબાદમાં રેલવે દુર્ઘટના વિશે જાણીને દુઃખ થયું. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રતિ સંવેદનાઓ અને ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. રેલવેના પાયાકીય માળખાની દશકાઓથી ઉપેક્ષા અને સુરક્ષા માપદંડોને સુનિશ્ચિત કરવા માટે રેલવે મંત્રીને તાત્કાલિક પગલાં ભરવા માટે જણાવવામાં આવ્યું છે.