કરાચી,તા.૨૩
પાકિસ્તાને કરાચી ખાતેની બીજી ટેસ્ટમાં શ્રીલંકાને ૨૬૩ રને હરાવ્યું હતું. અંતિમ દિવસે પાકિસ્તાનને જીત માટે માત્ર ત્રણ વિકેટની જરૂર હતી. પાકિસ્તાને ૧૪ મિનિટ અને ૧૬ બોલના ગાળામાં ત્રણ વિકેટ ઝડપીને ૧૦ વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ જીતનો સ્વાદ ચાખ્યો હતો. ૧૦ વર્ષ પછી કોઈ ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી હતી. ૪૭૬ રનનો પીછો કરતા લંકા અંતિમ દિવસે એકપણ રન ઉમેરી શક્યું ન હતું અને ૨૧૨ રનમાં ઓલઆઉટ થયું હતું. ફાસ્ટ બોલર નસીમ શાહ ૧૬ વર્ષ અને ૩૦૭ દિવસની વયે ટેસ્ટમાં પાંચ વિકેટ લેનાર સૌથી યુવા ફાસ્ટ બોલર બન્યો હતો. તેણે ૩૧ રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તેમજ ઓવરઓલ બોલર્સમાં તે બીજો સૌથી યુવા ખેલાડી છે. પાકિસ્તાનના પૂર્વ લેગ સ્પિનર નસીમ ઉલ ઘાનીએ ૧૬ વર્ષ અને ૩૦૩ દિવસની વયે વેસ્ટ ઇન્ડિઝની વિરુદ્ધ જોર્જટાઉન ખાતે પાંચ વિકેટ લીધી હતી.
બીજી ઇનિંગ્સ પાકિસ્તાનના ટોપ-૪ બેટ્સમેન શાન મસૂદ (૧૩૫), આબિદ અલી (૧૭૪), અઝહર અલી (૧૧૮) અને બાબર આઝમ (૧૦૦*)એ સદી ફટકારી. આ ઓવરઓલ ૨૩૭૫મી ટેસ્ટ હતી. માત્ર બીજીવાર કોઈ ટીમના ટોપ ૪ બેટ્સમેનોએ સદી ફટકારી. આ અગાઉ ૨૦૦૭માં ભારતના દિનેશ કાર્તિક (૧૨૯), વસીમ જાફર (૧૩૮*), રાહુલ દ્રવિડ (૧૨૯) અને સચિન તેંડુલકર (૧૨૨*)એ બાંગ્લાદેશ વિરુદ્ધ સદી ફટકારી હતી. મેચના ચોથા દિવસે પાક.એ બીજી ઈનિંગ્સમાં ૨ વિકેટે ૩૯૫ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. અઝહર અલી ૫૭ અને બાબર આઝમ ૨૨ રન પર હતા. અઝહર અને બાબરે ૧૪૮ રનની ભાગીદારી કરી. બાબરે સદી ફટકારતા જ પાક.એ ૫૫૫/૩ના સ્કોર પર ઈનિંગ્સ ડિક્લેર કરી હતી. પાક.એ પ્રથમ ઈનિંગ્સમાં ૧૯૧ જ્યારે શ્રીલંકાએ ૨૭૧ રન કર્યા હતા. લંકા માટે ઓપનર ઓશાન્ડે ફર્નાન્ડો ૧૦૨ રને રમી રહ્યો છે. ડિકવેલાએ ૬૫ રન કર્યા. બંનેએ છઠ્ઠી વિકેટ માટે ૧૦૪ રનની ભાગીદારી કરી હતી.
બીજી ટેસ્ટમાં પાકિસ્તાને શ્રીલંકાને ૨૬૩ રને હરાવ્યું : ૧૦ વર્ષ પછી ઘરઆંગણે જીત મેળવી

Recent Comments