(એજન્સી) તા.૨૪
ઉત્તરપ્રદેશના પૂર્વ રાજ્યપાલ અઝીઝ કુરૈશીએ સોમવારે આરોપ મૂક્યો કે સરકારે સુધારેલા નાગરિકતા કાયદા વિરુદ્ધ દેખાવોમાં કાવતરાપૂર્વક પોતાના લોકોને મોકલીને પાકિસ્તાન ઝિંદાબાદની નારેબાજી કરાવી અને હિંસા ભડકાવી હતી. કુરૈશીએ સોમવારે પત્રકારોને કહ્યું કે સરકારમાં બેઠેલા હિટલરના સાગરિતોએ નાગરિકતા કાયદા વિરુદ્ધ દેખાવોને હિંસક બનાવવા માટે દેખાવકારો વચ્ચે ઘૂસીને પાકિસ્તાન ઝિંદાબાદની નારેબાજી કરાવી હતી અને તોડફોડ તથા આગચંપી કરાવી હતી. તેની આડમાં પોલીસે જ ગોળીઓ ચલાવી. આ બધું જ સુનિયોજિત રીતે કરાયું.
અઝીઝ કુરૈશીએ અલીગઢ અને દિલ્હીની ઘટનાઓ અંગે આરોપ મૂકતાં કહ્યું કે આ પોલીસની ક્રૂરતા છે. તેનો પરાજય છે. જ્યારે તમે નૈતિક રૂપે હાર માની લો છો ત્યારે લાઠીચાર્જ કે ગોળી ચલાવો છો. કુરૈશીએ આરોપ મૂક્યો કે હિન્દુસ્તાનમાં મુસ્લિમોને શિકાર બનાવાઈ રહ્યાં છે અને આરએસએસ તથા ભાજપના હૃદયમાં મુસ્લિમો વિરુદ્ધ શૈતાની કાવતરાં ભરેલાં છે.
તેમણે આગળ કહ્યું કે જે રીતે હિટલરે નરસંહાર કરવા કેમ્પ બનાવ્યા હતા એ જ રીતે કેન્દ્રની ભાજપ સરકાર અટકાયતી કેન્દ્રો બનાવી રહી છે. આ બધા દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ તેમની સંપૂર્ણ સરકારે ગૃહમાં બહુમતના જોરે સીએએ કાયદો પસાર કરાવી બંધારણની આત્માની હત્યા કરી છે અને તેના માધ્યમથી દેશના ૨૦ કરોડ લોકોને એકલાં પાડી દેવાનું કામ કર્યુ છે. આ બધું ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કરાવાઈ રહ્યું છે.