(એજન્સી) તા.૭
પાકિસ્તાનમાં ખાલીસ્તાની તરફી તત્વોએ ભારતીય મુલાકાતી યાત્રીઓને નિશાન બનાવીને પ્રચાર વધારી દીધો છે અને કહેવાતા ‘રેફરન્ડમ ૨૦૨૦’ને નાનકાના સાહિબ જેવા ધાર્મિક સ્થળોએ સમર્થન આપવામાં આવી રહ્યું છે કે જ્યાં વિશ્વભરના હજારો શીખો મુલાકાત લે છે.
જ્યાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકનો જન્મ થયો હતો એ નાનકાના સાહિબમાં ગુરુદ્વારા જન્મસ્થાન ખાતે ૨૩ નવે.ના રોજ ભારતીય લોકો આવ્યા ત્યારે સમગ્ર યાત્રા સ્થળને ધ્વજ અને પોસ્ટરોથી શણગારવામાં આવ્યું હતું. આ પોસ્ટરોમાં રેફરન્ડમ ૨૦૨૦ એટલે કે જનાદેશ ૨૦૨૦ અને સ્વતંત્ર પંજાબની માગણીની વાતો લખવામાં આવી હતી. આ બેનરોમાં રેફરન્ડમ ૨૦૨૦ પંજાબ પર ભારતના કબજાનો અંત લાવશે અને રેફરન્ડમ ૨૦૨૦ એ પંજાબમાં ભારતીય કબજાનો વિરોધ કરવા માટે છે એવા ઉશ્કેરણીજનક સૂત્રો લખવામાં આવ્યા હતા.
એ જ રીતે સુવર્ણ મંદિરમાં ૧૯૮૪ની લશ્કરી કાર્યવાહી દરમિયાન માર્યો ગયેલ આતંકી જર્નૈલસિંહ ભીંદરાનવાલેની વિરાટ તસવીરો અને ખાલીસ્તાની ધ્વજ જોવા મળ્યા હતા. ખાલિસ્તાનનું અલગ રાષ્ટ્ર ઊભું કરવા માટે રેફરન્ડમની આગેવાની શીખ ફોર જસ્ટીસે લીધી છે જેણે લાહોરમાં શીખ ફોર જસ્ટીસ માટે કાર્યાલય ખોલવાની જાહેરાત કરી હતી. ૨૩ નવે.ના રોજ વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલ નિવેદનમાં ભારતીય યાત્રીઓની મુલાકાત દરમિયાન કોમી વિખવાદ અને અસહિષ્ણુતા ભાડકાવવાના અને અલગતાવાદી વલણને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. પાકિસ્તાન સુરક્ષા તંત્ર પણ આવા તમામ ગ્રુપ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.