(એજન્સી) નવી દિલ્હી, તા.૧૫
પુલવામામાં સીઆરપીએફના કર્મચારીઓ પર કરવામાં આવેલા ભયંકર ફિદાયીન હુમલામાં ૪૦થી વધુ જવાનો શહીદ થયાના એક દિવસ બાદ ભારતે શુક્રવારે નવી દિલ્હી ખાતેના પાકિસ્તાનના રાજદૂત સોહેલ મોહમ્મદને બોલાવ્યા હતા અને પુલવામાના હુમલા અંગે જોરદાર રાજદ્વારી વિરોધ નોંધાવ્યો છે. દરમિયાન એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનથી ભારતીય હાઇકમીશનર અજય બિસારિયાને પાછા સ્વદેશ બોલાવી લેવામાં આવ્યા છે. પુલવામાના હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે સ્વીકારી હોવાથી તેની સામે સખત કાર્યવાહી કરવાની ભારતે માગણી કરી છે. ભારતના વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે પાકિસ્તાન તેના ત્યાંના ત્રાસવાદી સંગઠનો સામે તાકીદે કાર્યવાહી કરે. પાકિસ્તાનની ધરતી પરથી સંચાલિત બધા ત્રાસવાદી સંગઠનો સામે પ્રતિબંધ લાદવાનું પણ ભારતે પાકિસ્તાનને જણાવ્યું છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાને એવી દલીલ કરી હતી કે પુલવામાના આતંકી હુમલામાં પાકિસ્તાનની કોઇ ભૂમિકા નથી અને તથ્યો વગર આરોપ મુકવાનું યોગ્ય નહીં હોવાની પાકિસ્તાનની દલીલ પણ વિદેશ સચિવે ફગાવી દીધી છે.