(એજન્સી) ઇસ્લામાબાદ, તા. ૪
સરહદ પર વધતી યુદ્ધવિરામની ઘટનાઓ વચ્ચે પાકિસ્તાનની સેનાએ કહ્યું છે કે, જ્યારે કૂટનીતિ નિષ્ફળ જાય ત્યારે જ યુદ્ધ થાય છે. પાકિસ્તાની સેનાએ ચેતવણીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે, અમારા ડિફેન્સ અને શાંતિના પ્રયાસોને અમારી નબળાઇ સમજવાની ભૂલ કરવી જોઇએ નહીં. જો કે, પાકિસ્તાની સેના પ્રમુખે એમ પણ કહ્યું કે, ભારત સાથે કોઇપણ પ્રકારના યુદ્ધની સંભાવના નથી કારણ કે બંને દેશ પરમાણુ સંપન્ન છે. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર)ના મહાનિર્દેશક મેજર જનરલ આસિફ ગફૂરે એક પત્રકાર પરિષદ દરમિયાન ચેતવણીભર્યા સૂરમાં જણાવ્યું હતું કે, અમારા શાંતિના પ્રયાસોને અમારી નબળાઇ સમજવી જોઇએ નહીં. આ સાથે જ પાક. સેનાના અધિકારીએ ૨૦૧૮ની શરૂઆતથી લઇ અત્યારસુધી ભારત ૧૦૭૭ વખત સંઘર્ષવિરામના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ હકીકત એ છે કે, કેટલાક દિવસ પહેલા શાંતિની વાત કરવા છતાં પાકિસ્તાની સેના સતત સરહદી વિસ્તારોમાં ગોળીબાર કરી રહી છે. આ ગોળીબારમાં બે ભારતીય જવાન શહીદ થયા છે. યુદ્ધ અંગે પાકિસ્તાની સેનાપ્રમુખે જણાવ્યું હતું કે, બંને પક્ષો દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે એક બીજાના સંપર્કમાં છે પરંતુ ભારત મંત્રણા માટે તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, ભારત સતત કહેતું આવ્યું છે કે, આતંકવાદ અને મંત્રણા એકસાથે ચાલી શકે તેમ નથી. પાકિસ્તાની સેનાઅધિકારીએ કહ્યું કે યુદ્ધ ત્યારે જ થાય જ્યારે કૂટનીતિ નિષ્ફળ જાય છે. ભારતીયોએ સમજવું જોઇએ કે તેઓ ક્યાં જવા માગે છે. અમે બંને પરમાણુ સંપન્ન દેશ છીએ અને યુદ્ધ માટે કોઇ સ્થાન નથી. જનરલ ગફૂરે એમ પણ કહ્યું કે, બંને દેશોની સેનાઓ વચ્ચે ૨૦૦૩થી યુદ્ધવિરામ કરારને માનવા પર સહમતી સધાયા બાદ કથિત રીતે ભારતીય ફાયરિંગનો પાકિસ્તાને જવાબ આપ્યો નથી પરંતુ જ્યારે નાગરિકોને નિશાન બનાવવામાં આવે ત્યારે અમે જવાબ આપવા માટે મજબૂર બન્યા છીએ. ભારત જો નાગરિકોને નિશાન બનાવશે તો અમે જરૂર જવાબ આપીશું.