(એજન્સી) નવી દિલ્હી, તા.ર
વિદેશ મંત્રાલયે આજે નિવેદન બહાર પાડી જણાવ્યું છે કે યુ.કે.ની હાઈકોર્ટે આજે પાકિસ્તાન ઉપર ભારતના દાવાને માન્યતા આપી હતી. હૈદરાબાદના નિઝામના નાણાંનો આ વિવાદ ૭૦ વર્ષ જૂનો છે. જેમાં ૩પ મિલિયન પાઉન્ડની રકમ સંકળાયેલ છે. આ રકમ લંડનની વેસ્ટ મિંસ્ટર બેંકમાં જમા છે.
સપ્ટેમ્બર ૧૦૪૮ના વર્ષથી આ રકમ પાકિસ્તાનના યુ.કે.ના હાઈકમિશનર હબીબ ઈબ્રાહિમ રહીમતુલ્લાના નામે જમા હતી. હૈદરાબાદના છેલ્લા ૭માં નિઝામે ૧ મિલિયન પાઉન્ડની રકમ પોતાની તિજોરીમાંથી રહીમતુલ્લાના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. જે રકમ આજે ૭૦ વર્ષ પછી ૩પ મિલિયન પાઉન્ડ થઈ છે. આ રકમ ઉપર હવે હૈદરાબાદના ૭મા નિઝામના પૌત્રો મુકર્રમ જહ જે તુર્કીમાં રહે છે અને મુફ્ફખમ જહે દાવો કરી જણાવ્યું છે કે અમે નિઝામના છેલ્લા વારસદારો છીએ જેથી આ રકમ અમને મળવી જોઈએ. નિઝામે રહીમતુલ્લાને સાચવવા માટે આપી હતી અને ૧૯૬૩માં ટ્રસ્ટની રચના કરી અમારા દાદાએ અમને આ રકમ ભેટમાં આપી હતી. એમણે એ પણ જણાવ્યું હતું કે સ્વતંત્રતા પછી નિઝામે આ રકમ પાછી માંગી હતી પણ પાકિસ્તાનના વિરોધથી રકમ એમને અપાઈ ન હતી.
ર૦૧૩ના વર્ષમાં પાકિસ્તાને નવેસરથી પ્રક્રિયા શરૂ કરી હતી અને નિઝામના પૌત્રોનો દાવો રદ કરવા માગણી કરી હતી.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે વખતે નિઝામે આ રકમ શસ્ત્રો માટે અનામત રાખી હતી. એ ભારત સાથે જોડાવવા માંગતા ન હતા. જેથી એમણે હથિયારો ખરીદવા રકમ રાખી હતી. જેથી જો ભારત બળજબરીથી એમનો પ્રદેશ હસ્તગત કરવા માંગે તો એનો પ્રતિકાર કરી શકાય. ૧૯૪૭માં ભારત અને નિઝામ વચ્ચે વાતચીત થઈ હતી ત્યારે નિઝામે કહ્યું હતું કે અમને વિચારવા સમય જોઈએ. એ પછી સપ્ટેમ્બર ૧૯૪૮માં નિઝામે ભારત સાથે જોડાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પાકિસ્તાને જણાવ્યું કે આ રકમ અમારા કબજામાં છે અને અમે સ્વતંત્ર દેશ છીએ જેથી બ્રિટનની કોર્ટ એમાં દરમ્યાનગીરી નહીં કરી શકે.
જો કે બ્રિટનની કોર્ટે આજે આ વિશે અંતિમ ચુકાદો આપી પાકિસ્તાનની દલીલો ફગાવી દીધી હતી. પાકિસ્તાને સમય મર્યાદા અને વિદેશી કાયદાઓનો હવાલો આપ્યો હતો. પણ કોર્ટે એક પણ દલીલ સ્વીકારી ન હતી.
કોર્ટે કહ્યું કે પાકિસ્તાન સમય મર્યાદાની દલીલ આગળ ધરી કોર્ટની પ્રક્રિયાનો દુરૂપયોગ કરી રહ્યું છે. કોર્ટે પાકિસ્તાનની એ દલીલ પણ રદ કરી જેમાં એમણે કહ્યું હતું કે નિઝામે શસ્ત્રોની ખરીદી માટે નાણાં મૂક્યા હતા. કોર્ટે કહ્યું કે આ રકમ નિઝામની જ છે જેથી એમના વારસદારોને રકમ આપવામાં આવે. જેથી ભારત અને નિઝામના બે પૌત્રોને આ રકમ મળશે.