(એજન્સી) તા.૧૮
પાકિસ્તાની જેલમાંથી ૬ વર્ષથી બંધ ભારતીય કેદી હામિદ નિહાલ અંસારીને આખરે છોડી મૂકવામાં આવ્યો અને આજે મંગળવારે સાંજના સમયે ભારત પાછો ફરી રહ્યો છે. પાકિસ્તાનમાં રાવી નદી પાર કરાવ્યા બાદ તેને એક જેલ વાન મારફતે વાઘા-અટારી સરહદ પર લાવવામાં આવ્યો છે. થોડીક જ મિનિટોમાં તે પોતાના વતન પાછો ફરશે. પાકિસ્તાની અધિકારીઓએ હામિદને ભારતીય ઓફિસરોને સોંપી દેવામાં આવ્યો છે.
પાકિસ્તાનને અંસારીને ૨૦૧૨માં ભારતીય જાસૂસ ગણાવીને કેદ કરવામાં આવ્યો હતો. ૨૦૧૫માં એક સૈન્ય કોર્ટે બોગસ પાકિસ્તાની ઓળખ પત્ર રાખવાના મામલામાં તેને ૩ વર્ષની સજા સંભળાવી હતી. અંસારીની માતાએ પોતાના પુત્રના જેલમાંથી છૂટકારો મેળવવા વિદેશ મંત્રી સુષમા સ્વરાજનો આભાર માન્યો છે.
હામિદને પાકિસ્તાનની જેલમાંથી સોમવારે છુટકારો મળ્યો હતો. અંસારીની ત્રણ વર્ષની સજા શનિવારે પુરી થઇ ગઇ હતી. ભારતે હામિદના છુટકારા માટે પાકિસ્તાન સાથે વાત પણ કરી હતી. અગાઉ પાકિસ્તાનની એક ઉચ્ચ કોર્ટે ત્યાંની સરકારને અંસારીને પાછો મોકલવા માટે જરૂરી ઔપચારિકતાને એક મહિનાની અંદર પુરી કરી લેવા જણાવ્યું હતું.
૧૫ ડિસેમ્બર ૨૦૧૫એ સજા સંભળાવ્યા બાદથી ૩૩ વર્ષીય મુંબઇ નિવાસી અંસારી પેશાવર સેન્ટ્રલ જેલમાં બંધ હતો. તેની ત્રણ વર્ષની સજા ૧૫ ડિસેમ્બર ૨૦૧૮એ પુરી થઇ ગઇ હતી, પરંતુ કાયદાકીય દસ્તાવેજ તૈયાર ન હોવાના કારણે તે ભારત પાછો જઇ શકતો નહોતો. ગુરુવારે પેશાવર ઉચ્ચ ન્યાયાલયે સંઘીય સરકારને એક મહિનાની અંદર તેને સ્વદેશ મોકલવાની પ્રક્રિયા પુરી કરવા માટે કહ્યું હતું. પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફેસલે કહ્યું, અંસારીને તેની સજા પુરી થયા બાદ જેલમાંથી છોડવામાં આવ્યો અને ભારત મોકલી રહ્યા છીએ. તેમણે દાવો કર્યો છે કે અંસારી એક ભારતીય જાસૂસ હતો, જે ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો અને તે રાષ્ટ્ર વિરોધી ગુનાઓ અને બોગસ દસ્તાવેજ બનાવવામાં સામેલ હતો.
પાકિસ્તાની ખાનગી એજન્સીઓ અને કોહાટની સ્થાનિક પોલીસે ૨૦૧૨માં ધરપકડ કર્યા બાદથી અંસારી ગુમ થઇ ગયો હતો. આખરે તેની માતા ફોજિયા અંસારી દ્વારા દાખલ કરાયેલી પ્રત્યક્ષીકરણ અરજીના જવાબમાં ઉચ્ચ કોર્ટને જણાવવામાં આવ્યું કે તે પાકિસ્તાની સેનાની ધરપકડમાં છે અને એક સૈન્ય કોર્ટમાં તેના પર કેસ ચલાવવામાં આવી રહ્યો છે.

ભારતીય નાગરિક હામિદ અન્સારીની પાકિસ્તાનની જેલમાંથી મક્તિ માનવતાનો વિજય છે : હામિદની માતા

છ વર્ષ પાકિસ્તાનની જેલમાં કેદ રહ્યા પછી મંગળવારે મુકત થનારા મુંબઈના એન્જિનિયર હામિદ અન્સારીની માતાએ કહ્યું હતું કે તે સારા હેતુઓ સાથે ગયો હતો, પરંતુ પહેલા તે ગુમ થઈ ગયો ત્યારબાદ તેની ધરપકડ કરી તેને ફસાવી દેવામાં આવ્યો. તેણે વીઝા વગર ન જવું જોઈતું હતું. તેનો છુટકારો માનવતાનો વિજય છે. હામિદના એક અન્ય સંબંધી ડો. ખાલિદ અન્સારીએ કહ્યું હતું કે આ ઉજવણીનો દિવસ છે અને તેઓ (હામિદનો પરિવાર) ભૂતકાળ તરફ જોવા માગતો નથી. હામિદના પિતા નિહાલ અન્સારીએ હામિદને મુકત કરાવવાના પ્રયત્નો બદલ ભારત અને પાકિસ્તાનની સરકારનો આભાર વ્યકત કર્યો હતો.