(એજન્સી)
ઇસ્લામાબાદ, તા. ૩
ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)માં સઉદી અરેબિયા ત્રીજું વ્યૂહાત્મક ભાગીદાર હોવાની જાહેરાત કર્યાના થોડાક જ દિવસ બાદ પાકિસ્તાને યુ-ટર્ન લીધો છે અને એવી જાહેરાત કરી છે કે પાકિસ્તાનનો ગાઢ સહયોગી સઉદી અરેબિયા ૫૦ અબજ ડોલરથી વધુના કહેવાતા સીપીઇસીમાં સામેલ થશે નહીં. સીપીઇસી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો મહત્વકાંક્ષી અબજો ડોલરનો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ કે બીઆરઆઇ ફ્લેગશિપ પ્રોજેક્ટનો મહત્વનો હિસ્સો છે. પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર (પીઓકે)માંથી પસાર થતા સીપીઇસીનો હેતુ ચીનના જિનજિયાંગ પ્રદેશને બલુચિસ્તાનના ગવાદર પોર્ટ સાથે જોડવાનો છે. બીઆરઆઇનો ઉદ્દેશ બેઇજિંગના ભંડોળથી ચાલતા માળખાકીય પ્રોજેક્ટ દ્વારા સમગ્ર વિશ્વમાં ચીનની વગ વધારવાનો છે. પાકિસ્તાનના ડોન ન્યૂઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાનના આયોજન અને વિકાસ પ્રધાન ખુસરો બખ્તિયારે તેમના દેશની મીડિયાને જણાવ્યું કે સઉદી અરેબિયાનું સૂચિત મૂડી રોકાણ એક અલગ દ્વિપક્ષીય વ્યવસ્થા હેઠળ આવશે. તેમણે જણાવ્યું કે સઉદી અરેબિયા સીપીઇસીમાં અધિક વ્યૂહાત્મક ભાગીદાર બનશે નહીં. તેમણે એવું પણ કહ્યું કે કોઇ પણ ત્રાહિત દેશ તેમાં માત્ર ત્યારે જ ભાગીદાર બની શકે છે જ્યારે તે પ્રોજેક્ટ બહારના રોકાણ અને બિઝનેસનો હિસ્સો બને. પાકિસ્તાન અને ચીન વચ્ચેના કરારની રૂપરેખા દ્વિપક્ષીય છે અને સઉદી અરેબિયા ત્રાહિત પક્ષ રોકાણકાર તરીકે તેમાં સામેલ થઇ શકે નહીં.