(એજન્સી) તા.૯
આગામી મહિનામાં યોજાનારી એક મહત્ત્વની પરિષદ માટે ભારત વિશ્વભરમાંથી આવેલા એશિયન બાબતોના વિદ્ધાનોની યજમાની કરવાનો છે પરંતુ ભારત સરકારના સ્પષ્ટ આદેશ પછી પાકિસ્તાનના વિદ્ધાનો આ પરિષદમાં ભાગ નહીં લઈ શકે. વિદેશ મંત્રાલયે પરિષદના આયોજકોને મોકલેલા પત્રમાં આ વિશે સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે. ધી એસોસિએશન ફોર એશિયન સ્ટડીઝ સાથે ૧૦૦૦૦ એશિયાઇ સભ્યો જોડાયેલા છે. આ એશિયાનું મુખ્ય આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંગઠન છે. ૨૦૧૪થી દર વર્ષે સંગઠન દ્વારા એશિયન કોન્ફરન્સનું આયોજન કરવામાં આવે છે. આ એવા લોકો માટે આયોજન કરવામાં આવે છે જેઓ ઉત્તર અમેરિકામાં આયોજિત વાર્ષિક કોન્ફરન્સમાં સામેલ થઇ શકતા નથી. ગત ચાર કોન્ફરન્સ સિંગાપોર, જાપાન, દ.કોરિયા અને તાાઇવાનમાં યોજાઇ હતી. આ વર્ષે ભારતની મુખ્ય આટ્‌ર્સ ઇન્સ્ટીટ્યૂટ અશોકા યુનિવર્સિટી એશિયન કોન્ફરન્સમાં સહઆયોજક છે. આ કાર્યક્રમ ૫થી ૮ જુલાઇ દરમિયાન નવી દિલ્હીમાં યોજશે. ધ વાયરના અહેવાલ અનુસાર આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા માટે વિદેશી વિદ્વાનોએ આમંત્રણપત્ર અને વિદેશ મંત્રાલય અને ગૃહમંત્રાલયના એનઓસી સાથે ભારતીય વિઝા માટે અરજી કરવી પડે છે પરંતુ રાજકીય મંજૂરી પત્રમાં (પોલિટીકલ ક્લિયરન્સ લેટર) વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આ કાર્યક્રમમાં કોઇ પાકિસ્તાની જોડાઇ શકશે નહીં. યુનિવર્સિટીએ એનઓસી માટે ૨૯ નવે. ૨૦૧૭ના રોજ વિદેશ મંત્રાલય સમક્ષ અરજી કરી દીધી હતી જેના જવાબમાં ૨૯ ફેબ્રુ.૨૦૧૮ના રોજ વિદેશ મંત્રાલયે એક પત્ર યુનિવર્સિટીને મોકલ્યો હતો. આ પત્રમાં જણાવાયું છે કે પાકિસ્તાનના કોઇપણ શખ્સને આ ઇવેન્ટમાં જોડાવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ પત્ર સેક્શન ઓફિસર એ. અજીતપ્રસાદ દ્વારા રાજીવ ગાંંધી એજ્યુકેશન સીટી, હરિયાણા સ્થિત અશોકા યુનિવર્સિટીના કુલ સચિવ સચિન શર્માનેે જારી કરવામાં આવ્યો છે. આયોજકોએ વિદેશ મંત્રાલય સમક્ષ કુલ ૫૭ દેશોના રીસર્ચ સ્કોલર ઇવેન્ટમાં જોડાશે એવી વાત કરી હતી પરંતુ વિદેશ મંત્રાલયે આ યાદીમાં નોંધાયેલ પાકિસ્તાનનું નામ કાપી નાખ્યું છે. આકસ્મિક રીતે, આ પરિષદની વેબસાઈટ મુજબ, અમેરિકન ઈન્સ્ટિટ્યુટ ફોર પાકિસ્તાની સ્ટડીઝ આ પરિષદની સહયોગી તેમજ પ્રાયોજક પણ છે. આ પરિષદના આયોજકો એસોસિએશન ફોર એશિયન સ્ટડીઝ અને અશોકા યુનિવર્સિટીએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે, આ હકીકત છે કે ભારત સરકારના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના અને પાકિસ્તાની મૂળના વિદ્ધાનોને દિલ્હીમાં યોજાનારી એ.એ.એસ એશિયા કોન્ફરન્સમાં હાજરી આપવા માટે વિઝા આપવાનો ઈન્કાર કર્યો છે. આ પગલું વિચારો અને જ્ઞાનના નિખાલસ આદાન-પ્રદાન સાથે અનુરૂપ નથી જે આ પરિષદનો મુખ્ય હેતુ છે.