(એજન્સી) કોલકાતા, તા.રર
પશ્ચિમ બંગાળના બોંગાવથી મલડા સુધી અને બસીરહાટથી કૂચબેહર સુધી ભાજપ ઉમેદવારોની પસંદગી મુદ્દે પોતાના જ સમર્થકો અને કાર્યકર્તાઓના ઉગ્ર વિરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.
કૂચબેહરમાં સ્થિતિ એટલી વણસી હતી કે સમર્થકોએ પક્ષના જિલ્લા કાર્યાલયમાં તોડફોડ કરી હતી. તેઓ માનવ તસ્કરી, ગેરકાયદે હથિયારની લે-વેચ અને બેનામી સંપત્તિના આરોપી નિતિશ પ્રામાણિકને ઉમેદવાર જાહેર કરાયા અંગે વિરોધ નોંધાવી રહ્યા છે. ભાજપના સમર્થકોએ પ્રામાણિકને દૂર કરવા મોટા પાયે સોશિયલ મીડિયા અભિયાન શરૂ કર્યું છે અને ઠેર-ઠેર પોસ્ટરો લગાવ્યા છે કે, જો પ્રામાણિકની ઉમેદવારી પાછી ખેંચવામાં નહીં આવે તો તેઓ ‘નોટા’ મત આપશે. ભાજપના નામે આ અપરાધીને એક પણ મત નહીં મળે.
ઉત્તર માલદામાં પણ પૂર્વ સીપીઆઈ(એમ) નેતા ખાગેન મુર્મુ વિરૂદ્ધ પણ સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે આ જ લોકો વિરૂદ્ધ આટલા વર્ષો લડત આપી હવે આ લકોને મત નહીં આપીએ. બસીરહાટના ઉમેદવાર સયનતન બાસુનો પણ વિરોધ થઈ રહ્યો છે. કારણ કે તેઓ સ્થાનિક નથી. બોંગાવમાં જ્યાં હજુ ઉમેદવાર જાહેર કરાયા નથી ત્યાં પણ ભાજપને ચેતવણી આપતા પોસ્ટરો લાગ્યા છે. નોંધનીય છે કે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે દાવો કર્યો છે કે પશ્ચિમ બંગાળની ૪રમાંથી ઓછામાં ઓછી ર૩ બેઠકો પર તે વિજય મેળવશે. જો કે આ દાવા પાછળ કોઈ મજબૂત કારણ જણાતું નથી. કારણ કે હાલ રાજ્યમાં પક્ષ પોતાના જ કાર્યકરોને ભાજપ ઉમેદવારોને મત આપવા રિઝવી રહી છે.