કોડિનાર, તા.૧૮
ભાજપે વિધાનસભાની ચૂંટણી માટે પોતાની પ્રથમ યાદી બહાર પાડ્યા બાદ અનેક બેઠકો પર વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે કોડિનાર બેઠક પરથી ટિકિટ નહીં મળવાની આશંકા અને પક્ષમાં થઈ રહેલી અવગણનાને કારણે સંસદીય સચિવ અને ધારાસભ્ય જેઠા સોલંકીએ રાજીનામું આપી દેતાં ભાજપમાં ઘમાસાણ મચ્યું છે. ભાજપની પહેલી યાદીમાં કોડિનાર વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર ન થતાં અને આ વખતે કોડિનારનાં ચાલુ ધારાસભ્ય જેઠા સોલંકીને ટિકિટ નહીં મળે તેવી સંભાવના વચ્ચે જેઠા સોલંકી કમલમ ખાતે દોડી જઈ રમણલાલ વોરાને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ પક્ષના પ્રમુખ જીતુ વાઘાણીને ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું ધરી ભાજપ પક્ષ ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. ધારાસભ્ય અને ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ જેઠા સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપમાં દલિતોનું કોઈ સાંભળતુ નથી. તેમજ ઉના કાંડના લીધે જ આનંદીબેનનો ભોગ લેવાયો હતો. જેઠા સોલંકીએ જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ઉપર પ્રહારો કરી જણાવ્યું હતું કે દિનુ સોલંકી આતંકવાદી છે. તે અમારા વિસ્તારમાં આતંક મચાવી રહ્યો છે. તેમજ ભાજપ પક્ષમાં ક્રિમિનલ માણસોનું જ વર્ચસ્વ હોય, હુ સરકારમાં હોવા છતાં મારા કામ થતા ન હોવાના આક્ષેપો કર્યા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ર૦૧રની ચૂંટણીમાં તત્કાલિન સંસદસભ્ય દિનુભાઈ સોલંકીના ટેકાની ચૂંટણી જીતેલા જેઠા સોલંકી અને દિનુ સોલંકી વચ્ચે કોઈ બાબતે ગજગ્રાહ થયા બાદ કોડિનાર ભાજપમાં આંતરિક મતભેદો જોવા મળી રહ્યા હતા. ત્યારે ર૦૧૭ની ચૂંટણી માટે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ નિવૃત્ત જજ ગીરીશભાઈ દામોદરાને ટિકિટ ફાળવવા ભલામણ કરતાં અને કોડિનારના બાહુબલી નેતા દિનુ સોલંકીએ ભાજપની ગૌરવ યાત્રા અને સ્નેહમિલનમાં અદભૂત શક્તિ પ્રદર્શન યોજ્યું હોય ભાજપ મોવડી મંડળ કોડિનારના બાહુબલી નેતાની અવગણના કરી શકે તેમ ન હોય, સીટીંગ ધારાસભ્યની ટિકિટ કાપી ગીરીશ દામોદરાને ટિકિ આપવાનું મન બનાવી લીધું હોય, પોતાની ટિકિટ કપાવવાની શક્યતા વચ્ચે ધારાસભ્ય જેઠા સોલંકીએ તમામ હોદ્દા પરથી રાજીનામુ આપી ભાજપ અને દિનુભાઈ સોલંકી ઉપર આક્ષેપો કરી સનસનાટી મચાવી છે.

ધારાસભ્ય જેઠા સોલંકીએ દિનુ સોલંકી પર ગંભીર આક્ષેપો કરતા લોકોમાં અનેક તર્કવિતર્ક
કોડિનાર, તા.૧૮
ધારાસભ્ય જેઠાભાઈ સોલંકીએ આજે ટિકિટ ન મળવાની સંભાવના વચ્ચે ધારાસભ્ય પદ અને ભાજપના સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી ઉપર ગંભીર આક્ષેપો કરતા કોડિનારની પ્રજામાં આ અંગે અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે. ગત ર૦૧રની ચૂંટણીમાં તત્કાલિન સાંસદ દિનુભાઈ સોેલંકીના સમર્થનની ટિકિટ મેળવનારા અને ચૂંટણીસભાઓમાં દિનુભાઈ સોલંકીને ભગવાન સમાજ મોટાભાઈ કહેનાર જેઠા સોલંકી હવે શું કામ તેમને આતંકવાદી સાથે સરખાવી રહ્યા છે ? તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે. ર૦૧રમાં સાંસદ દિનુભાઈ સોલંકીની અથાગ મહેનત બાદ વિજયી બનેલા જેઠા સોલંકી સત્તામાં આવ્યા બાદ સત્તાના મદમાં પોતાના ભગવાન સમાન મોટાભાઈ ઉપર આવા ગંભીર આક્ષેપો શું કામ કરી રહ્યા છે ? ગત ચૂંટણીમાં જેઠા સોલંકીની ભલામણ બાદ આ ચૂંટણીમાં અન્ય ઉમેદવારની ભલામણ કરતા જેઠા સોલંકી રઘવાયા બન્યા હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યું છે.