અમદાવાદ,તા.ર૯
કચ્છના તુણા બંદરેથી જીવતા પશુઓની નિકાસ અટકાવવાના કેસમાં નિકાસકારો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી બાદ બેલા ત્રિવેદીએ મૌખિક આદેશ કર્યો હતો કે જયાં સુધી અરજીનો નિકાલ ન કરવામાં આવે ત્યાં સુધી નિકાસકારોએ જીવતા પશુઓની નિકાસ માટેના તમામ જરૂરી નીતિનિયમો પાળવા પડશે અને લાગતાવળગતા સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરી તેમજ પ્રમાણપત્રો પણ મેળવવા પડશે.
છેલ્લા લગભગ ૪૦ વર્ષથી કચ્છનાં તુણા બંદરેથી ગલ્ફના દેશોમાં જીવતા ઘેટા-બકરાની નિકાસ કરવામાં આવી રહી હતી. આ વર્ષના ઓગસ્ટ મહિનામાં પણ નિકાસ માટે આશરે ૮,૦૦૦ ઘેટા-બકરા તુણા બંદરે લાવવામાં આવ્યા હતા. આ મામલે રાજય અને કેન્દ્ર સરકાર સમક્ષ ફરિયાદ કરી હતી. આ ફરિયાદની નોંધ લઈ કચ્છના કલેકટર દ્વારા નિકાસ તાત્કાલિક અટકાવવાનો આદેશ કરવામાં આવ્યો હતો. કચ્છના કલેકટર દ્વારા નિકાસકારો દ્વારા ૧૯૬૦ના પ્રાણી ક્રૂરતા અધિનિયમનો ભંગ થાય છે કે કેમ ? તેની તપાસ કરવા સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. સમિતિએ તપાસ કરીને અહેવાલ આપ્યો હતો કે પ્રાણી ક્રૂરતા અધિનિયમનો ભંગ થયો હોય તેવું જણાય છે આ અહેવાલને પગલે કચ્છના કલેકટરે જયાં સુધી યોગ્ય દસ્તાવેજો રજૂ ન કરવામાં આવે ત્યાં સુધી નિકાસ પર બંધી ફરમાવી હતી. કચ્છના કલેકટરના આદેશની વિરૂધ્ધમાં લાઈવસ્ટોક એકસપોટર્સ એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી. આ પિટિશનમાં કેન્દ્ર સરકાર ઉપરાંત કચ્છના કલેકટરને તેમ જ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટને પણ પાર્ટી બનાવવામાં આવી હતી. આ કેસની પ્રાથમિક સુનાવણી કર્યા પછી વિદ્વાન જજ સાહેબે મૌખિક આદેશ કર્યો હતો કે કચ્છના કલેકટર દ્વારા જે નિકાસ બંધી કરવાનો આદેશ કર્યો હતો તેના પર મનાઈહુકમ ફરમાવવામાં આવે છે પણ નિકાસકારીને તાકીદે કરવામાં આવે છે કે તેઓ તમામ નીતિનિયમોનું પાલન કરવા પૂર્વક જ ઘેટા-બકરાની નિકાસ કરી શકશે.