(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૩
આગામી શુક્રવારના રોજ રાજ્યસભાની ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે કોંગ્રેસે તેના તમામ ૭૧ ધારાસભ્યોને વ્હીપ આપી ર૦૧૭ની રાજ્યસભાની ચૂંટણીનું પુનરાવર્તન થતું અટકાવવા બુધવારે સાંજે પાલનપુરના એક રિસોર્ટમાં લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે કોંગ્રેસના ૭૧ પૈકી ૬૯ ધારાસભ્યો સાથે ગયા હતા જ્યારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ગયા ન હોવાનું જાણવા મળ્યું છે.
આગામી પ જુલાઈના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આથી કોંગ્રેસ ર૦૧૭ની રાજ્યસભાની ચૂંટણી અગાઉ જેમ તેના ધારાસભ્યોને બેગલુરૂ લઈ ગઈ હતી અને ચૂંટણીની સવારે લઈને આવી હતી. તેજ રીતે આ વખતે પણ ધારાસભ્યો તૂટવાના ડરે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને આબુ લઈ જવાની છે. તેવી વાત વહેતી થઈ હતી. જો કે અંતિમ સમય સુધી કોંગ્રેસ તેના ધારાસભ્યોને ક્યાં લઈ જવાની છે તે જાહેર કર્યું ન હતું. કોઈ આબુ, તો કોઈ ઉદેપુર, કોઈ પાલનપુર તો કોઈ ક્યાં લઈ જશે તેવી વાતો કરતા હતા અંતે જાણવા મળ્યા મુજબ તમામને પાલનપુર લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે જો કે આ ગુપ્ત ટુરમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા જોડાયા નથી આમ કોંગ્રેસના ૭૧માંથી ૬૯ ધારાસભ્યો હાલ પાલનપુર ગયા છે. હવે પાંચમીએ રાજ્યસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે ત્યારે ર૦૧૭ની ચૂંટણીનું પુનરાવર્તન થાય છે કે નહીં તેના પર સૌની નજર મંડરાયેલી છે.
દરમ્યાન બપોર પછી કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ, ગેનીબેન ઠાકોર,સી.જે. ચાવડા સહિત અનેક નેતાઓ અલ્પેશ ઠાકોરના ઘરે ગયા હતા અને ઘરે પહોંચીને અલ્પેશના ઘરની બહાર વ્હિપ ચોંટાડી દીધું છે.
ત્યારબાદ આ નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે શુક્રવારે યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં જ મત આપવાનો લેખિતમાં આદેશ અપાયો છે.
અલ્પેશના ઘરે વ્હિપ ચોટાડ્યા બાદ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને જણાવ્યું હતું કે, તમામ ધારાસભ્યો અને દંડક વ્હીપ આપવા આવ્યા છીએ. અમે ઈ – મેઈલ, વોટ્‌સ અપ, રજિસ્ટર એડીથી અલ્પેશને વ્હિપ મોકલાવ્યું છે, અને હાલ તેમના ઘરે પણ વ્હીપ ચોટાડ્યું છે.
આ પહેલા જ અલ્પેશ ઠાકોરે દાવો કર્યો હતો કે, ૧૮ ધારાસભ્યો કોંગ્રેસ છોડવા માંગે છે. તો સામે ધવલસિંહે પણ કહ્યું કે, ૧૦થી ૧૫ ધારાસભ્યો આબુ નહિ જાય. જો કે અલ્પેશે કહ્યું હતું કે, હું રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન કરીશ. મને હજુ કોગ્રેસનો વ્હિપ મળ્યો નથી. હું વ્હીપની રાહ જોઉં છું. મારા ઘરે વ્હીપ ચોંટાડવા માટે ૫૬ની છાતી જોઇએ. જો કોઇ આવી હરકત કરશે તો મારી ભાષામાં જવાબ આપીશ. ગત રાજ્યસભા ઈલેક્શનમાં પણ કેટલાક ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હતું, તેની સામે પણ કોંગ્રેસ કંઈ જ કરી ન શકી. કોંગ્રેસ માત્ર ખોટી બણગાબાજી કરે છે. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને અહી રાખી શકે છે. શું જરૂર છે બહાર લઈ જવાની. તેમ જણાવ્યું હતું.