(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૯
બનાસકાંઠામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને વધતી જતી મોંઘવારીને લઈને ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોને જમીન સંપાદનનું યોગ્ય વળતર મળતું નથી. ખેતઉપજના પૂરતા અને પોષણક્ષમ ભાવો મળતા નથી, દલિતો પર અત્યાચાર, મોંઘવારી સહિતની સમસ્યાઓને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો સાથે આજે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું જ્યારે દલિતો કે ખેડૂતો સરકારના અન્યાય સામે અવાજ ઉઠાવે છે ત્યારે તેઓ પર દમન ગુજારવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે. આજે ડીસા, પાલનપુર સહિત સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ કોંગ્રેસે શહેરના મુખ્યમાર્ગો પર રેલી યોજી વિરોધ દર્શાવ્યો હતો અને બાદમાં મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી અને જો સરકાર તાત્કાલિક ખેડૂતોની સમસ્યાઓ નહીં ઉકેલે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવીએ ઉચ્ચારી હતી. બનાસકાંઠાના ખેડૂતોની જમીન જે રી-સર્વેમાંં કપાઈ રહી છે અને આ જમીનોના યોગ્ય ભાવ ન મળતા ખેડતોની હાલત દયનિય છે ત્યારે અગાઉ કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા હતા. જે આ સરકારમાં નથી મળતા જેને લીધે ખેડૂતો પાયમાલ થયા છે. જેનેે લઈ આજે કોંગ્રેસ સાથે મળી ખેડૂત અગ્રણીઓએ ક્લેક્ટરને રજૂઆત કરી હોવાનું પ્રદેશ કૉંગ્રેસ અગ્રણી વિરજીભાઈ જુડાલે જણાવ્યું હતું. એક તરફ ભાજપ સરકાર ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ વિવિધ મુદ્દાઓને લઈ ભાજપને ઘેરવાના મુડમાં છે ત્યારે ભાજપ ખેડૂતોની સમસ્યાઓ કેટલી ગંભીરતાથી લે છે તે તો સમય જ બતાવશે.