પાલનપુર,તા.ર૮
પાલનપુર શહેરના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેમાં ટ્રાફિક, ગંદા પાણીના નિકાલ સહિતના પ્રશ્નો મુખ્ય છે. આ અંગે સંકલન સમિતિમાં પણ રજૂઆત કરવામાં આવી છે. એરોમા સર્કલ નજીક માટીના ઢગ ખડકાયા છે. જો દસ દિવસમાં તે દૂર નહી કરવામાં આવે તો હું જાતે ટ્રેકટર ચલાવી આ માટી હટાવીશ તેમ પાલનપુર ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલે જણાવ્યું હતુ.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઇ ગઢવી દ્વારા શનિવારે પાલનપુર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે, કેન્દ્રની સરકાર માત્ર જુઠ્ઠાણું ચલાવી ભ્રષ્ટાચારને પોષી રહી છે. ખેડૂતોના અનાજના ટેકાના ભાવ હોય કે પાક વિમાની રકમ કે પછી દેવા માફી તેમાં અન્યાય જ થયો છે. કોઇ નક્કર કામગીરી કરવામાં આવી નથી. શિક્ષિત યુવકોને રોજગારી આપવાનું વચન નિભાવ્યું નથી. બધાજ તબક્કે ભાજપની સરકાર નિષ્ફળ નિવડી છે. જ્યારે પાલનપુર ધારાસભ્ય મહેશભાઇ પટેલે શહેરની સમસ્યાઓ અંગે જણાવ્યું હતુ કે, શહેરમાં રૂપિયા ૧૩૭ કરોડની ભૂર્ગભ ગટર યોજનાના નાણાં વેડફાઇ ગયા છે. ગંદાપાણીનો કોઇ નિકાલ કરવાની નક્કર કામગીરી થઇ નથી. કોંગ્રેસ શાશિત પાલિકાના સમયમાં સદરપુર ખાતે ગંદા પાણીનો નિકાલ કરાતો હતો. ત્યાં ભાજપ દ્વારા ગેરકાયદે મકાનો બનાવી દેવામાં આવ્યા છે. ગંદુ પાણી માન સરોવરમાં ઠાલવવામાં આવી રહ્યું છે. લડબી નદીમાં દબાણો થઇ ગયા છે. ટ્રાફિકની સમસ્યા વકરી છે. જેમાં પણ એરોમા સર્કલ ફરતે જામેલી રેતી દૂર કરવા એસડીએમને દસ દિવસની મહેતલ આપી છે. જો કામગીરી નહી થાય તો હું જાતે ટ્રેકટર ચલાવી આ રેતી દૂર કરીશ. આ પી.સી.માં વિરજીભાઇ જુડાલ, મુકેશભાઇ ચૌહાણ, લક્ષ્મીબેન કરેણ, નયનાબેન પઢીયાર સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.