(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૨૧
પાલનપુરમાં ભંગારના વેપારી માસુકખાન પઠાણનું અપહરણ કરી ૧૦ લાખની ખંડણી માંગનાર ત્રણ આરોપીને બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજરે મીડિયા કર્મીઓને આ ઘટનાની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. જેમાં બનાસકાંઠા પોલીસે નસરતઅલી ખાન અને સમરપાલ ગડેરિયા નામના બે આરોપીની પોલીસે હાથ ધરી પૂછપરછ તેમજ અન્ય એક આરોપી બરોડા પોલીસના રિમાન્ડ પર છે. આ ગુનામાં સાત આરોપીઓની ગેંગે ભંગારના વેપારીઓને ટાર્ગેટ બનાવી ખંડણી માગવાનું કામ કરતા હતા હજુ વધુ ચાર આરોપી ફરાર છે. જેની બનાસકાંઠા પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે. અપહરણ અને ખંડણીના ગુનાનો માસ્ટર માઈન્ડ ઉત્તરપ્રદેશનો રહેવાસી નસરતઅલી ખાન જુદા-જુદા ૧૦ ગુનામાં સંડોવાયેલો છે. જેમાં એક હત્યાનો પણ ગુનો છે તેમજ એલસીબી અને પશ્ચિમ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી દીધો છે. પાલનપુર ગઠામણ પાટિયા પાસે અમન સ્ક્રેપ નામની ભંગારની દુકાન ધરાવતા માસુકખાન પઠાણ રાત્રીના સમયે દુકાન વધાવી ઘરે જઈ રહ્યા તે દરમિયાન અમદાવાદ હાઇવે બ્રિજ પર અજાણ્યા કાર ચાલકોએ તેમની બાઈકને આંતરી તેમને માર મારી ગાડી બેસાડી ફરાર થઇ ગયા હતા તે દરમિયાન મોડી રાત્રે તેમના પરિવાર પર ફોન કરી ૧૦ લાખની ખંડણી માગી હતી. પરિવારજનો ભય સાથે જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરી સમગ્ર પ્રકરણની જાણ કરી હતી. પોલીસની જુદી જુદી ટીમ બનાવી મોબાઇલ લોકેશનના આધારે ખેડા નજીકની જાણ થતા પોલીસ ટીમ રવાના થઇ હતી. માસુકખાન પઠાણ હેમખેમ મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.