પાલનપુર, તા.૧૮
આગામી વિધાનસભાની ચૂંટણીનું રણસીંગુ ફૂંકાઈ ગયું છે અને બીજા તબક્કાની ૧૪ ડિસેમ્બર વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લાના નવ વિધાનસભા બેઠક પૈકી એક વિધાનસભાની બેઠક એવી છે જ્યાં ઇતરસમાજના ઉમેદવારોએ સૌથી વધુ જીત મેળવી છે વાત છે જિલ્લા મથક પાલનપુર વિધાનસભાની બેઠકની છે જ્યાં દેશની આઝાદી બાદ વર્ષ ૧૯૬૧ માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ ૧૯૬૨થી ૨૦૧૨ સુધીની વિધાનસભાની ૧૨ વખત યોજાયેલ ચૂંટણીમાં આઠ વખત ઇતરસમાજના ઉમેદવારના ફાળે ગઈ છે તેમજ ૧૨ વખત થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાંચ વખત ભાજપએ જીત હાંસલ કરી છે ત્યારે પાંચ વખત કોંગ્રેસએ જીત હાંસલ કરી છે તેમજ બે વખત ભારતીય જન સંઘ પાર્ટીએ જીત મેળવી હતી પાલનપુર વિધાનસભા બેઠક પર ચૌધરી સમાજ, ઠાકોર સમાજ, પાટીદાર સમાજ અને મુસ્લિમ સમાજના જીત માટે નિર્ણાયક મત હોવા છતાં ઇતરસમાજનું સૌથી વધુ પ્રભુત્વ વધુ જોવા મળ્યું છે. ગત ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી ગોવિંદભાઇ પ્રજાપતિને કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલએ નજીવા મતોથી પરાજિત કરી પાલનપુરના ધારાસભ્ય બન્યા હતા. જો કે આ વખતે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ફરી ઇતરસમાજમાંથી પોતાનો ઉમેદવાર મૂકે તેવી પ્રબળ સંભાવના વર્તાઈ રહી છે. ત્યારે આજની નવી પેઢીને જાણકારી મળી રહે તે માટે ગુજરાત ટુડે દ્વારા પાલનપુર વિધાનસભા બેઠક પર દેશની આઝાદી બાદ વર્ષ ૧૯૬૨થી ૨૦૧૨ સુધી ૧૨ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પાલનપુર ક્યાં રાજકીય પક્ષમાંથી ક્યાં ઉમેદવારને કુલ મતો સાથે ધારાસભ્યો બન્યા હતા જેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે.
૧૯૬૨માં દલજીભાઈ ગણેશભાઈ પટેલે કુલ ૧૫૮૯૯ મત મેળવી કોંગ્રેસમાંથી તેઓ પાલનપુરના પ્રથમ ધારાસભ્ય બન્યા હતા.
૧૯૬૭માં એ.સી.મહેતા એ કુલ ૧૪૯૪૬ મત મેળવી કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા.
૧૯૭૨માં લેખરાજ હેમરાજભાઈ બચાણીએ કુલ ૨૩,૧૧૦ મત મેળવી ભારતીય જનસંઘ પાર્ટીના ધારાસભ્ય બન્યા હતા.
૧૯૭૫માં પણ લેખરાજ હેમરાજભાઈ બચાણી એ કુલ ૨૦,૯૪૮ મત મેળવી ભારતીય જનસંઘ પાર્ટીના ધારાસભ્ય બન્યા હતા.
૧૯૮૦માં અમૃતલાલ કાળીદાસ પટેલ એ કુલ ૨૨,૫૫૧ મત મેળવી કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા.
૧૯૮૫માં સુરેશભાઈ સારાભાઈ મહેતાએ કુલ ૨૫,૫૬૬ મત મેળવી કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા.
૧૯૯૦માં લેખરાજ હેમરાજભાઈ બચાણીએ કુલ ૨૪,૪૯૮ મત મેળવી ભાજપમાંથી ધારાસભ્ય બન્યા હતા.
૧૯૯૫માં અમૃતલાલ કાળીદાસ પટેલએ કુલ ૪૬,૦૩૦ મત મેળવી ભાજપમાંથી ધારાસભ્ય બન્યા હતા.
૧૯૯૮માં રેખાબેન હિતેષભાઇ ત્રિવેદીએ ભાજપમાંથી કુલ ૪૪,૪૮૫ મતો મેળવી ધારાસભ્ય બન્યા હતા.
૨૦૦૨માં કાંતિભાઈ ધર્મદાસ કચોરિયાં એ કુલ ૫૯,૨૨૩ મત મેળવી ભાજપમાંથી ધારાસભ્ય બન્યા હતા.
૨૦૦૭માં ગોવિંદભાઇ માધવલાલ પ્રજાપતિ એ કુલ ૬૬,૮૩૫ મતો મેળવી પાલનપુરના ભાજપમાંથી ધારાસભ્ય બન્યા હતા.
૨૦૧૨માં મહેશભાઈ અમૃતલાલ પટેલએ કુલ ૭૫,૦૪૭ મતો મેળવી કોંગ્રેસ માંથી ધારાસભ્ય બન્યા હતા.