પાલનપુર, તા.૨૧
બનાસકાંઠા જિલ્લાનું મુખ્યાલય પાલનપુર તેની અનેક વિશેષતાઓ માટે જાણીતું છે. નવાબી નગર તરીકે ઓળખાતા પાલનપુર શહેરમાં સમયની સાથે અનેક પરિવર્તન આવ્યા. પરંતુ નવાબ દ્વારા જે ધરોહર બનાવવામાં આવી હતી તે નામશેષ થઇ રહી છે. સાત દરવાજાના કિલ્લેબંધી અને જાજરમાન મહેલોથી સજ્જ પાલનપુર શહેરમાં આજે નવાબ સાહેબના સમયમાં બનાવેલા બાંધકામ પૈકી જોરવાર પેલેસ અને જર્જરિત મીરાં દરવાજો જ હયાત રહ્યો છે, બાકી તમામ ઐતિહાસિક વારસો વહીવટીતંત્રની બેદરકારીના પગલે કાગળના ઈતિહાસમાં વણાઈ ગયો છે.
પાલનપુર ઉત્તર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતું શહેર છે. પાલનપુરના નવાબ શેર મહમદ ખાણ સાહેબ દ્વારા પાલનપુરમાં તેમના સમયમાં અનેક ઈમારતો બનાવવામાં આવી. પરંતુ કાળક્રમે આજે તે માત્ર ઈતિહાસની વાતો બની રહી ગઈ છે. જે પાલનપુરના ફરતે સાત દરવાજાની કિલ્લેબંધી હતી તેમાંથી આજે માત્ર એક દરવાજો હયાત છે. પાલનપુર શહેર દરવાજાઓના શહેર તરીકે જાણીતું હતું. પાલનપુરના ઈતિહાસની સાક્ષી પુરતો મીરાં દરવાજો પણ જર્જરિત અવસ્થામાં છે. જે ગમે ત્યારે જમીનદોસ્ત થઈ જાય તો નવાઈ નહી. જૂના પાલનપુર શહેરમાં અનેક ઐતિહાસિક ઈમારતો આવેલી છે તે તમામ જર્જરિત થઈ ગઈ છે. પરંતુ તેને સાચવવા માટે વહીવટીતંત્ર દ્વારા કોઈ તકેદારીના પગલા લેવામાં આવ્યા નથી. ઈતિહાસકારો અને સ્થાનિક લેખકો સરકારી તંત્રની બેદરકારીના કારણે જ ઐતિહાસિક વારસો ન જળવાયો હોવાનું સ્પષ્ટપણે માની રહ્યા છે. પાલનપુર શહેરના ઈતિહાસની વાત કરીએ તો શહેરના ફરતે સાત દરવાજા હતા. આજે જે જૂનું પાલનપુર જર્જરિત છે તે રાજગઢી તરીકે ઓળખાતું હતું. જયારે માનસરોવર, પાતાળેશ્વર મહાદેવ મંદિર, કીર્તિ સ્તંભ જેવી જૂની ઈમારતો આજે છે પણ તેની જાળવણી માટે જે થવું જોઈએ તે થયું નથી. આજે આ ઈમારતો પણ ધીમે ધીમે ખરાબ થઈ રહી છે. પરંતુ તેની જાળવણી માટે નગરપાલિકા કે સ્થાનિક અધિકારીઓ ચિંતાતુર નથી. નવાબ સાહેબ દ્વારા પાલનપુરમાં કોઈ ઈમારતનું જતન થયું હોય તો તે માત્ર જોરાવર પેલેસ છે. આ આબેહુબ ઈમારતની જાળવણી પણ એમ થઇ છે કે આ જોરાવર પેલેસમાં જીઁ કચેરી અને સેસન્સ કોર્ટ આવેલી હોવાથી તેની કોતરણી અને તેની ઈમારત જળવાઈ છે. જયારે બાકી નવાબ સાહેબના સમયમાં બનેલી મોટાભાગની ઈમારત જમીનદોસ્ત થઇ છે. જયારે કેટલીક ઈમારતો બચી છે તે જર્જરિત થઇ છે. પરંતુ તેના માટે સરકારી તંત્ર નિંદ્રાધીન છે. જેને લઈ પાલનપુર વાસીઓમાં પણ કચવાટની લાગણી છે.
પાલનપુર શહેરમાં ઐતિહાસિક ધરોહરની જાળવણી થઇ શકી નથી તે ખુદ વહીવટીતંત્ર સ્વીકારે છે. પાલનપુરમાં અનેક એવી ઈમારતો હતી જે પાલનપુરના ભવ્ય ભૂતકાળની સાક્ષી હતી. પરંતુ તે આજે રહી નથી. નગરપાલિકાના મત મુજબ પાલનપુરની જે પણ ઈમારતો આજે જર્જરિત છે તેનું રીપેરીંગ કામ એમ નથી થતું કે તેની જે કલાત્મક કોતરણી અને તેના સ્થાપત્ય ની જે બારીકાઇ છે તે રીનોવેશનમાં જળવાતી નથી. જેથી ઐતિહાસિક ધરોહરની ગરિમા જળવાઈ રહે તે પ્રકારે નગરપાલિકા આગામી સમયમાં તેમના રીનોવેશન માટે વિચાર કરી રહી છે. આ મામલે કલેકટર સહીતના અધિકારીઓ સાથે ચર્ચા થઇ છે. પરંતુ આ જર્જરિત ઈમારતોને નગરપાલિકાનો રીનોવેશનરૂપી સહારો ક્યારે મળશે તે માટે ઐતિહાસિક ધરોહરો પણ કાગડોળે રાહ જોઈ રહી છે. કોઈપણ શહેરનો ઈતિહાસ તેની ઈમારતો અને તેના સ્થાપત્ય પર થી જ નક્કી થાય છે. નવાબ નગરી બાદ પાલનપુર અત્તર નગરી ત્યાર બાદ ડાયમંડ નગરી જયારે આજે જીલ્લાના મુખ્ય મથક તરીકે ઓળખાય છે. પાલનપુર ભવ્ય ઈમારતો અને ઐતિહાસિક વારસાનું સાક્ષી છે. પરંતુ અનેક ઐતિહાસિક ધરોહર આજે ઈતિહાસના પાનામાં જ રહી છે. ત્યારે પાલનપુરનો એકમાત્ર જજરિત દરવાજો અને અન્ય બાકી રહી ગયેલ ઈમારતોને વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો સાચવે તો પાલનપુરના ભવ્ય ઈતિહાસના દર્શન બહાર થી આવતા લોકોને થઇ શકે.