(સંવાદદાતા દ્વારા), સુરત તા.૧૦
સુરતના અમરોલીના છાપરાભાઠા વિસ્તારમાં રસ્તે રખડતા ઢોરોને પકડવા માટે ગયેલી પાલિકાની ઢોર પાર્ટી ઉપર કેટલાક ઇસમોના ટોળાએ હુમલો કરી ‘હરિજનોને ગાયો પકડવાનો અધિકાર નથી’ તેમ કહી પાલિકાના વાહનોમાં તોડફોડ કરી હતી, તેમજ પાલિકા સ્ટાફને વાહનો સાથે સળગાવી દેવાની ધમકી આપી હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મહાનગરપાકિલામાં ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં સેનેટરી સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ ચન્દ્રકાંતભાઈએ કેટલાક ઇસમો વિરુદ્ધ અમરોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેમણે જણાવ્યું હતું કે,આરોપી ઉકાભાઈ સહિત સાતેક વ્યકિતઓેએ અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં ફરિયાદી સહિતની ટીમ રખડતા ઢોર પકડવાનું કામ કરતા હતા,ત્યારે સ્થળ પર ધસી આવ્યા હતા.જેમણે પાલિકા સ્ટાફને ‘ગાય ને છોડી દેવાનું જણાવી’ ફરજમાં રૂકાવટ ઊભી કરી ઢોર પાર્ટીની ટીમ ઉપર હુમલો કર્યો હતો. તેમજ મનપાના વાહન ઉપર ચઢી જઈ કર્મચારીઓની જાતિ પૂછવા લાગ્યા હતા. જેથી કર્મચારી કૈલાશ અને રોહિતભાઈએ પોતે માહ્નાવંશી હોવાનું જણાવતા આરોપીઓએ ‘હરિજનોને ગાયો પકડવાનો અધિકાર નથી’ તેમ કહી વાહનોમાં તોડફોડ કરી ગાય નહીં છોડશે, તો વાહન સાથે સળગાવી દેવાની ધમકી આપી હતી. બનાવ સીંદર્ભે અમરોલી પોલીસે ફરિયાદ નોદ્વધી તપાસ હાથ ધરી છે.