સુરત,તા.૩૦
પાલિકાની હદ વિસ્તરણ મામલો દિવસેને દિવસે વિરોધનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. લસકાણા અને ખોલવડ ગામના લોકોનો પાલિકામાં સમાવેશ થતાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગામ લોકોની માંગ છે કે, ગામડાને ગામડું જ રહેવા દેવું જોઈએ. અમુક લોકોની જીદ સંતોષવા માટે ગામડાની સંસ્કૃતિ અને ગ્રામ્ય લોકોને હેરાન કરવાનું રહેવા દેવું જોઈએ. પાલિકામાં ભળતાં ભાવ વધારા થશે જે ગામના લોકોને પરવડશે નહી તેવું જણાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સુરત શહેર-જિલ્લામાં નેતાઓની આંતરિક જુથબંધી હદ વિસ્તરણના મુદ્દે ખુલીને બહાર આવી ગઈ છે. પાસોદરા અને કઠોદરાના ગ્રામ પંચાયતના ચુંટાયેલા પ્રતિનિધિઓ પોતાના ગામડાને મ્યુનિ.માં નહીં સમાવવા માટે વિરોધ કરી રહ્યાં છે. લોકોએ પોતાના ગામ સુરતમાં નહીં સમાવવામા આવે તે માટે બેઠક કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ હદ વિસ્તરણના મુદ્દે કામરેજ તાલુકાના ગામડાઓની અનેક સોસાયટીના લોકોની બનેલી નાગરિક એકતા સમિતિ દ્વારા વેલંજા ચોકડી ખાતે સભા કરીને તેમાં ગામડાંઓનો સમાવેશ થાય તે બેઠક કરીને રાજ્ય સરકારમાં રજુઆત કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું.