(સંવાદદાતા દ્વારા) ભાવનગર,પાલિતાણા તા.૮
ભાવનગર જિલ્લાના પાલિતાણા ગામે લાપતા મુસ્લિમ માસૂમભાઈ બહેનની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. ભાવનગર જિલ્લાના પાલિતાણા શહેરના રહેમાનદાદાની વાડી પાસે આવેલી પરીમલ સોસાયટીમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરતા સલીમભાઈ ઉસ્માનભાઈ કુરેશી (ઉ.વ.૩પ) અને તેમના પત્ની રેશમાબેન પણ મજૂરી કામ કરતા હોય બંને પતિ-પત્ની પરીમલ સોસાયટીમાં મજૂરી કામે ગયા હતા તે વેળાએ તેમના બંને બાળકો જીયાન (ઉ.વ.૬) અને તેમની પુત્રી આફરીન (ઉ.વ.૮) જીયાન ધો.૧માં અભ્યાસ કરે છે અને આફરીન ધો.રમાં અભ્યાસ કરે છે. આ દંપત્તિ મજૂરીકામ ગયા તે વેળાએ બંને માસૂમ બાળકોને પણ સાથે લઈ ગયા હતા. ગત તા.૬ના રોજ સ્કૂલના સમયે માતા રેશમાબેનને બંને બાળકોને ઘરે જવાનું કહેતા બંને માસૂમ ભાઈ-બહેન પોતાના ઘરે જવા નીકળ્યા હતા ત્યારબાદ છેલ્લા ત્રણ દિવસથી આ માસૂમ બાળકો લાપતા થઈ ગયા હતા. શ્રમિક દંપતિએ બંને બાળકોની શોધખોળ કર્યા બાદ કોઈ ભાળ નહીં મળતા તા.૬ના રોજ પાલિતાણા ટાઉન પોલીસમાં પિતા સલીમભાઈ કુરેશીએ ફરિયાદ નોંધાવતા પાલિતાણા ટાઉન પોલીસ મથકના પીઆઈ વી.એસ.માંજરિયાએ બંને બાળકોને લલચાવી ફોસલાવીને નસાડી અપહરણ કરી ગયા હોવાનો ગુનો નોંધાયો હતો. જ્યારે આજે શુક્રવારે વહેલી સવારે પાલિતાણાની સિપાઈ જમાતની વાડી પરીમલ સોસાયટી નજીકમાં એક બંધ પડેલી, ભંગાર મોટર કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે આ કારમાં તપાસ કરતા કારની ડીકીમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં માસૂમ બાળક જીયાનનો મૃતદેહ અને કારની આગળની સીટમાંથી માસૂમ આફરીનનો મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં ભાવનગર જિલ્લા પોલીસ અધિકારી દીપાંકર ત્રિવેદી પાલિતાણા ટાઉન પોલીસના પીઆઈ વી.એસ.માંજરીયા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે લાશનો કબજો લઈ ફોરેન્સિક તપાસ અને પોસ્ટમોર્ટમ માટે આજે શુક્રવારે ૩ કલાકે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં બંને માસૂમ બાળકોના મૃતદેહ લાવવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પાલિતાણાના મુસ્લિમ સમાજમાં અને આ વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પાલિતાણાના કોંગ્રેસના નગરસેવક રૂમીભાઈ શેખ, નગરસેવક ઈભલા શેઠ, પાલિતાણાના આગેવાનો કાદરભાઈ સૈયદ, મહેબૂબભાઈ કુરેશી, જીવાભાઈ કુરેશી, સિકંદરખાન ઠીમ, હકુભાઈ કુરેશી, વહાબભાઈ કાજી, મહંમદભાઈ કાજી, ભાવનગરના અગ્રણીય પૂર્વનગર સેવક કાળુભાઈ બેલીમ, ઈલિયાસભાઈ લાકડાવાળા સહિતના આગેવાનો પણ ભાવનગરની સરટી હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતકના પરિવારજનોને સાત્વના આપ્યું હતું અને આ બનાવ બાબતે પોલીસ ઘનિષ્ઠ તપાસ કરે અને જો માસૂમ બાળકોની કોઈએ હત્યા કરી હોય તો તેના આરોપીઓને તાકીદે ઝડપી લેવામાં આવે તેવી પણ મુસ્લિમ સમાજના આગેવાનોએ માગ કરી છે. જિલ્લા પોલીસ અધિકારી દીપાંકર ત્રિવેદીએ મૃતકના પરિવારજનોને ખાત્રી આપી છે કે આ બનાવમાં જો કોઈ હત્યા થઈ હશે તો કોઈપણ હત્યારાને છોડવામાં નહીં આવે.